BJDના 25 વર્ષના મહિલા સાંસદ લોકસભાના સહુથી નાના સભ્ય બન્યાં


નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

ઓડિશાના ૨૫ વર્ષના ઇજનેર યુવાન ૧૭મી લોકસભા ગૃહના સૌથી નાના સાંસદ બન્યા છે. બીજુ જનતાદળના ચંદ્દાણિ મુર્મુ નામના આ મહિલા સાંસદ આદિવાસીઓની બહુમતીવાળી કેઓન્જહર બેઠક પરથી જીત્યાં છે.

રાજકારણના નવા નિશાળિયા એવાં ચંદ્દાણિએ કહ્યું કે ઓડિશાના યુવાનો અને મહિલાઓ ઉપરાંત એમના મતવિસ્તારના આદિવાસીઓએ એમની પાસેથી રાખેલી અપેક્ષાઓને તેઓ પરિપૂર્ણ કરવા માગે છે. સાકાર થઇ શકે નહિ એવા મોટા - મોટા વચનો આપવાના બદલે પ્રજાને ઝડપભેર પરિણામો આપી શકાય એવી કાર્યપધ્ધતિ વિકસાવવા માટે પોતે સ્પષ્ટ છે.

ચંદ્દાણિ મુર્મુએ પત્રકારોને જણાવ્યું કે તેઓ પોતાના મતવિસ્તારમાં મુખ્યત્વે રોજગારીની તકો ઊભી કરવા માગે છે. આ માટે નવા ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસોમાં પોતે કોઇ કચાશ રાખશે નહિ. કેઓન્જહર જેવા ખનિજ - સમૃધ્ધ પ્રદેશમાં નોકરીની તકોની ભારે ઉણપ હોવા વિષે આશ્ચર્ય વ્યક્ત કરતા ચંદ્દાણિએ ઉમેર્યું કે હું મારાં રાજ્યના યુવાનો અને મહિલાઓનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરીશ.

ચૂંટણીમાં ભાજપના બે વાર સાંસદ રહેલા ઉમેદવાર અનંત નાયક સામે ટકરાયેલાં ચંદ્દાણિ મુર્મુએ નાયકને ૬૬,૨૦૩ મતની સરસાઇથી હરાવ્યા હતા.

પોતે મીકેનિકલ એન્જિનિયર બન્યા પછી નોકરી શોધી રહ્યાં હતાં, પરંતુ લોકસભાના સભ્ય બનીને વધુ સારી કામગીરી કરવાની તક મેળવી છે, એમ એમણે જણાવ્યું.

ઓડિશાની આ કેઓન્જહર લોકસભા મતવિસ્તારે નવ વાર બિનકોંગ્રેસી ઉમેદવારોને ચૂંટી મોકલ્યા છે, જ્યારે છેલ્લે ૧૯૯૬ની ચૂંટણી સહિત કોંગ્રેસ છ વાર આ બેઠક જીતી છે. ૧૯૯૮થી ૨૦૦૪ સુધી બીજેડી સાથે જોડાણમાં રહ્યો ત્યાં સુધી ભાજપ ત્રણવાર આ બેઠક જીત્યો છે. છેલ્લી બે ચૂંટણીમાં બીજેડીનો વિજય થતો રહ્યો છે. આ ચૂંટણીમાં અહીં બે પક્ષો વચ્ચે સીધેસીધી ટક્કર હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ws1CrI
via Latest Gujarati News

Post a Comment

0 Comments