
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં જબરજસ્ત હાર પછી પક્ષની અંદર જ વાદવિવાદ વચ્ચે કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પક્ષના ત્રણ વરિષ્ઠ સભ્યોને પક્ષ કરતાં પોતાના પુત્રોને પ્રાથમિકતા આપવાનો આક્ષેપ કર્યો હતો.
જ્યારે તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડરાએ આક્ષેપ કર્યો હતો કે આખા પક્ષના ટોચના નેતાઓએ વડા પ્રધાન મોદી સામે લડવા મને એકલી છોડી દીધી હતી, એમ સૂત્રોએ કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક પછી કહ્યું હતું.
પક્ષની હારના કારણો શોધવા શનિવારે મળેલી કોંગ્રેસ કારોબારી સમિતિની ખૂબ જ મહત્ત્વની બેઠકની અંદરની વાત કરતાં પક્ષના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના સર્જીકલ પૃથકકરણમાં કોંગ્રેસના ટોચના નેતાઓ અંગે સ્પષ્ટ વાત કરી હતી અને પક્ષ પ્રમુખનો હોદ્દો છોડવાની ઓફર કરી હતી.તેમણે એમ પણ કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે મારા પરિવારમાંથી કોઇ તેમની જગ્યાએ આવે, આમ તેમણે પ્રિયંકા ગાંધીના પક્ષ પ્રમુખ બનવાની શક્યતાને નકારી કાઢી હતી.
પક્ષના સૂત્રોએ કહ્યું હતું કે પક્ષનું ટોચનું નેતૃત્વ ભાવી પગલાં અંગે કોઇ રણનીતી તૈયાર કરશે, જો કે હાર પછી કેટલાક લોકોએ રાજીનામાની ઓફર કરી હતી.લોકસભામાં કોંગ્રેસે માત્ર ૫૨ બેઠકો જ જીતતા અને ૧૮ રાજ્યોમાં એક પણ બેઠક નહીં મળ્યા પછી અને ઉત્તર પ્રદેશના અમેઠીની પરિવારની પરંપરાગત બેઠક પરથી હારી ગયા પછી બેઠક મળી હતી.જો કે તેઓ વાયનાડની બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MkLvZg
via Latest Gujarati News
0 Comments