અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની જીતમાં મોટું યોગદાન આપનારા પૂર્વ સરપંચની હત્યા


મૃતકના પુત્રએ કોંગ્રેસ સમર્થકો પર આરોપ લગાવ્યો, પોલીસે સાતની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી 

નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર જીત માટે સ્મૃતિ ઇરાનીને મદદ કરનારા ૫૦ વર્ષીય સુરેન્દ્રસિંહની જાહેરમાં હત્યા કરી નાખવામા આવી છે. પૂર્વ ગ્રામ પંચાયત સરપંચની રાત્રે ૧૧.૩૦ કલાકે હત્યા કરી દેવામાં આવી હતી.

 આ અંગે માહિતી આપતા ઉત્તર પ્રદેશના ડીજીપી ઓમ પ્રકાશસિંહે જણાવ્યું હતું કે આ હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું અમને જાણવા મળ્યું છે. આ ઉપરાંત કોઇ રાજકીય હેતુથી હત્યા કરવામાં આવી છે કે કેમ તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. 

ઉત્તર પ્રદેશના ડીજીપી ઓમ પ્રકાશસિંહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં એક વિશેષ ટીમ તૈયાર કરી છે. આ મામલે સાત લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા અમને કેટલાક પુરાવા પણ મળી આવ્યા છે.

અમને પુરી આશા છે કે આગામી ૧૨ કલાકમાં જ આ કેસનું નિરાકરણ લાવી નાખવામાં આવશે. મૃત્યુ પામેલા સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સ્મૃતિ ઇરાની પણ સામેલ થયા હતા. સ્મૃતિ ઇરાનીએ સુરેન્દ્રના મૃતદેહને કાંધ આપી હતી. 

મૃત્યુ અંગે ખેદ વ્યક્ત કરતા ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે પાર્ટી વર્કરની આ રીતે હત્યા કરવી અતી દુ:ખદ છે. તેઓ બહુ જ મોટા કાર્યકર્તા હતા. તેમના હત્યારા જ્યાં પણ જશે તેમને શોધી કાઢવામાં આવશે. પુરા અમેઠીમાં હાલ દુ:ખની લાગણી પ્રસરી જવા પામી છે.

ઉત્તર પ્રદેશના પ્રધાન રીટા બહુગુણાએ પણ આ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મૃત્યુ પામેલા સુરેન્દ્રસિંહના પુત્ર અભયસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ સમર્થકો અમારુ કામ સહન નહોતુ થતું, અમેઠીમાં જીતનો જે જશ્ન હતો તે સહન નહોતો થતો જેને કારણે પણ આ હત્યા કરી દેવામાં આવી હોઇ શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EA0YhD
via Latest Gujarati News

Post a Comment

0 Comments