ચિટ ફંડ કૌભાંડ : મમતાના ખાસ કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવને સીબીઆઇના સમન્સ


નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઇએ સમન્સ પાઠવ્યા હતા, શારદા કૌભાંડ મામલે તેમની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે જે સંદર્ભે આ સમન્સ પાઠવ્યા હોવાના અહેવાલો છે. 

સીબીઆઇની એક ટીમ રવિવારે કોલકાતા સ્થિત રાજીવ કુમારના નિવાસ સ્થાને સમન્સ પાઠવવા ગઇ હતી. અને તેમને સોમવારે સોલ્ટ લેક ઓફિસ પર આવવાનું કહેવામાં આવ્યું છે. ચિટ ફંડ સ્કેમમાં તેમની પૂછપરછ ચાલી રહી છે જે સંદર્ભે તેમને આ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજીવ કુમાર પાસે ચિટ ફંડ સ્કેમની તપાસ હતી, તેઓ આ કૌભાંડની તપાસ કરી રહેલી એસઆઇટીના વડા હતા. જે બાદ સમગ્ર મામલો સીબીઆઇને સોપવામાં આવ્યો હતો. એવા આરોપો લગાવવામા આવી રહ્યા છે કે આ કૌભાંડમાં તપાસ દરમિયાન જે પુરાવા સામે આવ્યા તેને રાજીવ કુમારે નાશ કર્યો છે અથવા છુપાવી દીધા છે.

આ સમગ્ર મામલે અગાઉ કોલકાતા પોલીસ અને સીબીઆઇ બન્ને આમને સામને આવી ગયા હતા. બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં રાજીવ કુમાર વિરુદ્ધ કાર્યવાહી પર રોક લગાવી દેવાઇ હતી, જેને હવે હટાવી લેવામાં આવી છે તેથી હવે તેમની વિરુદ્ધ સીબીઆઇ આગામી પગલા લઇ રહી છે. 

સીબીઆઇ રાજીવ કુમારની હવે આ મામલે ધરપકડ કરવા માગે છે. ૨૦૧૩માં મમતા સરકારે એસઆઇટીની રચના કરી હતી જેને ચિટફંડનો મામલો સોપવામાં આવ્યો હતો. તે સમયે રાજીવ કુમારને એસઆઇટીના વડા બનાવાયા હતા. આ મામલે કોઇ ખાસ કાર્યવાહી ન થતા તેમના પર હવે પુરાવાનો નાશ કરવાની શંકા થઇ રહી છે અને સીબીઆઇ પણ તે જ આરોપો લગાવી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X3E8Gs
via Latest Gujarati News

Post a Comment

0 Comments