
કાવાસાકી, તા. 28 મે, 2019, મંગળવાર
જાપાનના પાટનગર ટોકિયોની પાસે આવેલા એક શહેરમાં શરીરને કંપારી છુટી જાય તેવી એક ઘટના બની હતીેજમાં શાળાની બસની રાહ જોઇ રહેલા બાળકો પર એક માથાના ફરેલા પુરૂષે પાછળથી આવીને ચપ્પુથી હુમલો કરતાં બેના મોત થયા હતા અને ૧૮ અન્યો ઘાયલ થયા હતા.
મરનારાઓમાં ૧૨ વર્ષની એક બાળકી તેમજ ૩૯ વર્ષની એક બાળકની માતાનો સમાવેશ થતો હતો. ૫૦ વર્ષિય હુમલાખોરે ત્યાર પછી પોતાના ગળા પર ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે પાછળથી હોસ્પિટલમાં ગુજરી ગયો હતો.
ેઆમ તો જોકે જાપાનમાં આ પ્રકારની હિંસા થતી નથી, પરંતુ આ ઘટનાએ ફરીથી લોકોની ઉંઘ હરામ કરી દીધી હતી. હુમલાખોરે ક્યા કારણસર હુમલો કર્યો તે હજુ સુધી શોધી શકાયું નથી.
સવારે આઠ વાગે શાળાએ જવા માટે બાળકો બસમાં સવાર થવાની તૈયારીમાં હતા ત્યારે જ આ હુમલો કરાયો હતો. કેરિટેસ સ્કુલની બસના ડ્રાઇવરે સ્થાનિક માધ્યમોને કહ્યું હતું કે મેં એને બાળકોની લાઇનની પાસે આવતા જોયો હતો, પરંતુ એનો ઇરાદો હત્યાનો હતો તેની મને જાણ નહતી. એણે આવતાની સાથે જ બાળકો પર ચપ્પુથી વાર કર્યા હતા.
એણે બસમાં ઘુસીને પણ બાળકોને ચપ્પુ માર્યા હતા. હુમલાખોર જોરજોરથી બુમો પાડીને કહેતો હતો કે હું તમને બધાને મારી નાંખીશ. ત્યાર પછી એણે પોતાના ગળે ચપ્પુ મારી દીધો હતો. પોલીસે એની ધરપકડ કરી લીધી હતી, પરંતુ હોસ્પિટલમાં એ ગુજરી ગયો હતો. જાપાનના વડા પ્રધાન શિંજો એબીએ આ ઘટનાને વખોડી કાઢી હતી.
તેમણે કહ્યું હતું કે તેઓ ખૂબ દુ:ખી થયા હતા. તેમણે ઘટનાની તપાસનો ઓર્ડર કર્યો હતો. અગાઉ ૨૦૧૬માં કેર સેન્ટરમાં એક માથાના ફરેલા શખ્સે ૧૬ દિવ્યાંગો પર હુમલો કર્યો હતો.૨૦૧૮માં સેન્ટ્રલ જાપાનમાં બુલેટ ટ્રેનમાં એક હુમલાખોરે ચપ્પુથી હુમલો કરતાં એકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qx5jXF
via Latest Gujarati News
0 Comments