
( પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તાઃ 28 મે 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વરસી રહ્યો છે.આજે વિદર્ભ આખું ઉકળતી ભઠ્ઠી બની ગયું હોવાના ચિંતાજનક સમાચાર મળે છે.અસહ્ય ગરમીને કારણે નાગરિકો આકુળ વ્યાકુળ થઇ ગયાં છે.અસંખ્ય લોકોને ચક્કર આવવાં,રાતે ઉંઘ ન આવવી અને હાઇબીપી જેવી સમસ્યા થઇ હોવાનું પણ જાણવા મળે છે.
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે વિદર્ભના ચંદ્રપુરના અને નાગપુરના આકાશમાંથી જાણે કે અંગારા વરસ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.આજે ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન ૪૭.૮ અને નાગપુરમાં મહત્તમ તાપમાન ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું ધગધગતું નોંધાયું હતું.
બીજીબાજુ આજે હવામાન ખાતાએ એવો વરતારો પણ આપ્યો હતો કે આવતા ૪૮ કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હીટ વેવ જેવી પરિસ્થિતિ સર્જાય તેવાં કુદરતી પરિબળો છે.વળી,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને કોંકણમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં થોડું વધુ નોંધાયું હતું. વિદર્ભથી કોમોરેન વિસ્તારમાંનો હવાના હળવા દબાણનો પટ્ટો હવે મધ્ય મહારાષ્ટ્રથી કોમોરેન સુધી ફેલાયો છે.
આજે વિદર્ભના નાગપુર પર સૂર્યનારાયણ જાણે કે ભારે કોપાયમાન થયા હોય તેમ તાપમાનનો પારો ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો નોંધાયો હતો.આવી અસહ્ય ગરમીથી નાગપુરના રસ્તા પરનો ડામર પણ ઓગળી ગયો હોવાના સમાચાર મળે છે.નાગપુરના એક વિસ્તારના રસ્તા પરનો ડામર ઓગળી જવાથી ઘણાં નાગરિકોનાં ચપ્પલ-બૂટ પણ તેમાં ચોંટી ગયાં હતાં.
આજે વિદર્ભનાં બ્રહ્મપુરીમાં મહત્તમ તાપમાન ૪૬.૮,વર્ધા-૪૬.૫, ગઢચિરોળી-૪૬.૦,અકોલા-૪૫.૬,ગોંદિયા-૪૫.૫,યવતમાળ-૪૫ અને બુલઢાણા-૧૪.૭ ડિગ્રી,મધ્ય મહારાષ્ટ્રનાં જળગાંવ-૪૩,માલેગાંવ-૪૨,જેઉર-૪૧,સાતારા-૪૧,પુણે-૪૦,સાંગલી-૪૦ જ્યારે મરાઠવાડાનાં પરભણી-૪૬,નાંદેડ-૪૫,ઉસ્માનાબાદ-૪૩ અને ઔરંગાબાદ-૪૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૮-૮૩ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૮-૬૨ ટકા નોંધાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wskXu1
via Latest Gujarati News
0 Comments