
મુંબઇ તા.07 મે 2019, મંગળવાર
નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટિ (એનટીસીએ)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન સાત વર્ષમાં ૬૫૬ વાઘના મોત થયા હતા. આ પૈકી મોટા ભાગના વાઘનાં મોત મધ્ય પ્રદેશમાં તથા બાકીનાં મહારાષ્ટ્રમાં થયાનું નોંધાયું હતું.
એનટીસીએ તાજેતરમાં જારી કરેલી માહિતી દર્શાવે છે કે આ સાત વર્ષ દરમિયાન વેપાર માટે વાઘના શિકારની ઘટનાઓની સંખ્યા ઘટી છે પરંતુ ઇલેકટ્રોક્યુશન (વીજળીનો કરંટ લાગવો-આ કારણની ગણના પણ શિકાર તરીકે જ કરવામાં આવી છે)ને કારણે થતાં વાઘના મોતની સંખ્યા વધતી જાય છે.
આથી પણ વધુ ચોકાવનારી બાબત એ કે ૨૦૧૯માં આત્યાર સુધીમાં ૪૧ વાઘના મોત થયાનું નોંધાયું છે. આ પૈકી ૧૩ના મોત મધ્ય પ્રદેશમાં જ્યારે સાતના મોત મહારાષ્ટ્રમાં થયાં છે.
છેલ્લે ૨૦૧૪માં કરાયેલી ગણતરી મુજબ સમગ્ર વિશ્વમાં ૩,૯૮૦ વાઘ છે અને તેમાના ૨,૨૨૬ ભારતમાં હોવાનું નોંધાયું હતું.
એનટીસીએ બીજી મેના રોજ જારી કરેલી માહિતી મુજબ ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૧૪૧ વાઘના મોત થયાં હતા. તે પછીના ક્રમે મહારાષ્ટ્રમાં ૧૦૭, કર્ણાટકમાં ૧૦૦, ઉત્તરાખંડમાં ૮૨ અને તામિલનાડુમાં ૪૯ વાઘના મોત થયા હતા.
આ પૈકી ૨૯૫ (૪૫ ટકા) વઘા કુદરતી રીતે મરણ પામ્યા હતા, શિકાર (ઇલેકટ્રોક્યુશન સહિત) જેવાં કારણોસર ૨૦૭ જ્યારે રોડ-રેલ અકસ્માતો તથા માનવ સાથેના ઘર્ષણને કારણે ૩૬ વાઘના મોત થયા હતા.
માર્યા ગયેલા કુલ વાઘ પૈકી ૫.૪ ટકા વાઘનાં મોત તેમની અંદરોઅંદરની કે અન્ય પ્રાણીઓ સાથેની ઝપાઝપીમાં થયા હતા.
પૂરતી માહિતીના અભાવે ૧૧૮ (૧૮ ટકા) વાઘના મોત કયાં કારણોને લીધે થયા તે જાણી શકાયું નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V7egYj
via Latest Gujarati News
0 Comments