મુંબઇમાં અસહ્ય ઉકળાટ અને બફારો : વિદર્ભમાં ગરમીનો ભારે પ્રકોપ


મુંબઇ, તા.07 મે 2019, મંગળવાર

મુંબઇગરાંએ આજે અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવ્યો હતો.થોડા દિવસ ગરમી અને બફારામાંથી રાહત રહ્યા બાદ આજે હવામાનમાં ફેરફાર થયો હતો.

હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું વધી ગયું હોવાથી અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યો હતો.

બીજીબાજુ  હવામાન ખાતાએ એવો વરતારો પણ આપ્યો હતો કે  ૮,૧૦,૧૧ મે દરમિયાન ઉત્તર-દક્ષિણ કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભનાં અમુક સ્થળોએ ભારે ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો છે.હાલ હવાના હળવા દબાણનો પટ્ટો છત્તીસગઢ અને કર્ણાટક થઇને વિદર્ભ,મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર પર છવાયો છે.

જોકે દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન વધુ રહે તેવી શક્યતા છે.

મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન આકાશ વાદળિયું રહે તેવી શક્યતા છે.સાથોસાથ હળવી -ઝરમર ઝરમર વર્ષા થાય તેવી પણ શક્યતા છે.

આજે બ્રહ્મપુરી(૪૬ ડિગ્રી) અને ચંદ્રપુર(૪૫ ડિગ્રી) રાજ્યનાં સૌથી હોટ સ્થળો રહ્યાં હતાં.

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે વિદર્ભના બ્રહ્મપુરીમાં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉકળતું નોંધાયું હતું.ચંદ્રપુર-૪૫,અકોલા,૪૩,વર્ધા-૪૩,નાગપુર-૪૨,યવતમાળ-૪૧ અને અમરાવતી-૪૧,મરાઠવાડાનાં પરભણી-૪૩,નાંદેડ-૪૩,ઉસ્માનાબાદ-૪૧,ઔરંગાબાદ-૪૦ જ્યારે મધ્ય મહારાષ્ટ્રનાં માલેગાંવ-૪૩,જળગાંવ-૪૨,સોલાપુર-૪૨,જેઉર-૪૧,પુણે-૪૦,કોલ્હાપુર-૩૯ અને મહાબળેશ્વર-૩૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૮થી ૭૭ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૯થી ૬૩ ટકા નોંધાયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/300igh7
via Latest Gujarati News

Post a Comment

0 Comments