
(પીટીઆઈ) મુંબઈ, તા. 3 મે, 2019, શુક્રવાર
'પીએમ નરેન્દ્ર મોદી'ના નિર્માતાઓએ વિવેક ઓબેરોય અભિનીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ૨૪ મે, ૨૦૧૯ના રોજ રીલિઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
'પીએમ નરેન્દ્ર મોદી' નામની આ ફિલ્મ અગાઉ ૧૧ એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી પરંતુ ચૂંટણી પંચના પ્રતિબંધ બાદ ફિલ્મ રીલિઝ અટકાવવામાં આવી હતી.
ચૂંટણી પંચે ગત મહિને આ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો અને કોઈ પણ ફિલ્મ જે કોઈ રાજકીય એકમ કે વ્યક્તિને ફાયદો કરાવી શકે તેને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત ન કરી શકાય તેમ જણાવ્યું હતું. ફિલ્મ રીલિઝના એક દિવસ પહેલા જ ચૂંટણી પંચે આદેશ આપીને ફિલ્મની રીલિઝ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ફિલ્મના પ્રોડયુસર સંદિપ સિંહે સિનેમાઘરોમાં આ ફિલ્મ સરળતાથી ચાલે તેવી આશા વ્યક્ત કરી હતી.
સંદિપ સિંહે જણાવ્યું કે, 'દેશના જવાબદાર નાગરિક તરીકે અમે દેશના કાયદાઓનું સન્માન કરીએ છીએ. ફિલ્મ અંગેની જિજ્ઞાાસાઓ અને ઉત્સાહને મનમાં રાખીને અને આ અંગે અનેક ચર્ચા-વિચારણા બાદ અમે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તરત જ ફિલ્મ રીલિઝ કરવાનું નક્કી કર્યું છે. અમે ૨૪ મે, ૨૦૧૯ના રોજ અમારી ફિલ્મને રીલિઝ કરીશું તથા પ્રથમ વખત કોઈ ફિલ્મ માત્ર ચાર દિવસના પ્રમોશન બાદ રીલિઝ થશે.'
વધુમાં સંદિપ સિંહે આ વખતે સરળતાથી ફિલ્મ રીલિઝ થઈ શકે તેવી આશા વ્યક્ત કરી હતી અને કોઈ વ્યક્તિને હવે ફિલ્મ અંગે કોઈ સમસ્યા નહીં હોય તેમ કહ્યું હતું. ઉમંગ કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં બોમન ઈરાની, મનોજ જોશી, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા સેનગુપ્તા અને દર્શન કુમાર સહિતના કલાકારો જોવા મળશે. જ્યારે સુરેશ ઓબેરોય અને આનંદ પંડિત આ ફિલ્મના કો-પ્રોડયુસર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GTr1ke
via Latest Gujarati News
0 Comments