30મીએ સાંજે નરેન્દ્ર મોદીની ભવ્ય તાજપોશી, મંત્રીઓ પણ શપથ લેશે


2014માં શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

નરેન્દ્ર મોદી આગામી ૩૦મી મેએ બીજી ટર્મ માટે વડા પ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે મંત્રીમંડળમાં જેમને સ્થાન આપવાનું છે તેઓ પણ શપથ ગ્રહણ કરશે. નરેન્દ્ર મોદી પહેલા ભાજપના નેતા છે કે જેઓ સતત બીજી વખત વડા પ્રધાન પદ પર શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે.

આ પહેલા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇંદિરા ગાંધીએ આ સીદ્ધી પ્રાપ્ત કરી હતી. જોકે અટલ બિહારી વાજપેયીને પણ બે વખત વડા પ્રધાન બનવાની તક મળી હતી પણ તેમનો પહેલો કાર્યકાળ લાંબો સમય ચાલી નહોતો શક્યો. જ્યારે મોદીએ પહેલો કાર્યકાળ પુરો કર્યો અને હવે બીજો કાર્યકાળ શરૃ થયો છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સમારોહમાં ૩૦મી મેએ સાંજે સાત કલાકે મોદી અને તેમના મંત્રીમંડળમાં જેમને સ્થાન મળવાનું છે તેઓ શપથ લેશે.

જોકે બીજી ટર્મમાં કોને કોને મંત્રી પદ આપવાનું છે તેના નામની જાહેરાત નથી કરવામાં આવી. એવી શક્યતાઓ છે કે મંત્રીમંડળમાં પશ્ચિમ બંગાળના કોઇ નેતાને સ્થાન આપવામાં આવી શકે છે કેમ કે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ભાજપને અગાઉ કરતા અનેકગણી વધુ બેઠકો મળી છે. 

જોકે પહેલી વખત જ્યારે નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા હતા ત્યારે અનેક વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, આ વખતે ક્યા ક્યા નેતાઓને બોલાવવામાં આવ્યા છે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મોદીની જીત બાદ અનેક વિશ્વના નેતાઓએ મોદીને શુભકામના પાઠવી હતી,

જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના જિનપિંગ, રશિયાના પુતિન વગેરેનો પણ સમાવેશ થાય છે. રવિવારે પાકિસ્તાનના વડા ઇમરાન ખાને નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી હતી અને બન્ને દેશો યોગ્ય દિશામાં કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. હાલ એનડીએ પાસે ૫૪૩માંથી ૩૫૩ સાંસદો છે, જેમાંથી ૩૦૩ માત્ર ભાજપના જ છે. 

સરકારમાં તામિલનાડુ, તેલંગાણા, બિહારના નેતાઓના સમાવેશની શક્યતા 

નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

મોદી સરકારની બીજી ટર્મ ૩૦મી મેએ શપથવીધી સાથે શરૃ થવા જઇ રહી છે, જોકે સરકારના મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

 એવી શક્યતાઓ છે કે રાજનાથસિંહ, નિતિન ગડકરી, નિર્મલા સિતારમન, રવી શંકર પ્રસાદ, પિયુષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, પ્રકાશ જાવડેકરને સ્થાન આપવામાં આવી શકે છે. ગાંધીનગર લોકસભાની બેઠક પર જીત મેળવનારા અમિત શાહ પણ સરકારમાં સ્થાન પામે તેવી શક્યતાઓ છે જોકે તેમણે આ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરી. 

અન્ય એક એનડીએના સાથી પક્ષ એલજેપીના વડા રામ વિલાસ પાસવાન પોતાના પુત્ર ચિરાગ પાસવાનને કેબિનેટમાં સ્થાન અપાવવા માટે સરકાર પર દબાણ કરી રહ્યા છે. અગાઉની સરકારમાં તામિલનાડુના પક્ષ એઆઇએડીએમકેનો સમાવેશ નહોતો કરાયો,

જોકે આ વખતે તેમના એક જીતેલા સાંસદને સ્થાન આપવામાં આવી શકે છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં પણ પહેલી વખત સૌથી વધુ ૧૮ બેઠક મેળવી લીધી છે, તેલંગાણામાંથી પણ ચાર બેઠકો પર જીત મેળવી છે. જેથી આ બન્ને રાજ્યોમાંથી પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K4iLRG
via Latest Gujarati News

Post a Comment

0 Comments