ગ્રેટર નોઇડામાંથી રૂા. 400 કરોડનું 1800 કિલો સુડોએફેડ્રીન ડ્રગ્સ જપ્ત


બે નાઇજિરિયન સહિત ત્રણની ધરપકડ

(પીટીઆઇ) નવી દિલ્હી/નોઇડા, તા. 11 મે, 2019, શનિવાર

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ આજે સુડોએફેડ્રીન ડ્રગનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનો દાવો કર્યો છે. ગ્રેટર નોઇડાના એક મકાનમાંથી ૪૦૦ કરોડ રૃપિયાનું ૧૮૦૦ કિલોથી વધુ સુડોએફેડ્રીન જપ્ત કરવામાં આવ્યું છે. આ સંબધમાં ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

જે મકાનમાંથી આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તે મકાનની માલિકી લખનઉમાં પોસ્ટિંગ ધરાવતા આઇપીએસ અધિકારીનું છે. જો કે આ સમાચાર સાંભળી તે પણ ચોંકી ઉઠયા હતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે આ મકાન ભાડા પર આપેલું છે અને આ સમાચાર સાંભળીને મને પણ આંચકો લાગ્યો છે. 

એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૮૦૦ કીલો સુડોએફેડ્રીનની સાથે બે કિલોે કોકીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. એનસીબીએ દક્ષિણ આફ્રિકાની મહિલા પૂછપરછમાં મળેલી માહિતીને આધારે આ મકાનમાં દરોડા પાડયા હતાં.

મકાનના માલિક આઇપીએસ અધિકારી ડીપીએન પાંડેએ જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ માટેની સ્કીમ હેઠળ મેં આ મકાન વર્ષ ૨૦૦૦માં ૭.૨૦ લાખ રૃપિયામાં ખરીદ્યું હતું. આ મકાન મેં મહિને ૨૪,૦૦૦ના ભાડા પર આપ્યું હતું. પણ ભાડુઆતે છેલ્લા એક વર્ષથી ભાડું ચૂકવ્યું નથી. 

એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુડોએફેડ્રીનનોે ઉપયોગ મેથમફેટમાઇનના ઉત્પાદનમાં કરવામાં આવે છે. મેથમફેટમાઇન એવી દવા છે જેનો યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JgrBvP
via Latest Gujarati News

Post a Comment

0 Comments