વિશ્વના 70 દેશોએ ઉત્તર કોરિયાને પરમાણુ શસ્ત્રો નાશ કરવાની અપીલ કરી


ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ મિસાઇલ પરિક્ષણ વિશ્વાસઘાત નથી : ટ્રમ્પ

(પીટીઆઇ) યુએન, તા. 11 મે, 2019, શનિવાર

વિશ્વના ૭૦ દેશોએ ઉત્તર કોરિયાને તેના પરમાણુ શસ્ત્રો, બેલેસ્ટિક મિસાઇલ અને તેની સાથે સંકળાયેલા કાર્યક્રમોનો નાશ કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારથી સમગ્ર વિશ્વ સમક્ષ ખતરો ઉભો થયો છે. 

આ અપીલ કરનારા દેશોમાં અમેરિકા, દક્ષિણ કોરિયા, એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા અને યુરોપના દેશોનો સમાવેશ થાય છે.  ફ્રાન્સ દ્વારા તૈયાર કરવામાં આ દસ્તાવેજમાં ચીન અને રશિયાએ હસ્તાક્ષર કર્યા નથી કારણકે તે ઉત્તર કોરિયાના સમર્થક દેશો છે.  દસ્તાવેજ પર સહી કરનારા દેશોને ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમથી ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષાને મોટો ખતરો દેખાઇ રહ્યો છે. 

આ દેશોએ ઉત્તર કોરિયાને કોઇ પણ જાતની ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ એક જ સપ્તાહમાં બે મિસાઇલ લોન્ચ કરી હતી. દક્ષિણ કોરિયાના જણાવ્યા અનુસાર આ મિસાઇલોની મારક ક્ષમતા ૪૩થી ૧૨૪ માઇલ હતી. 

આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ મિસાઇલ પરિક્ષણ વિશ્વાસઘાત નથી. આ મિસાઇલની ક્ષમતા ટૂંકા અંતરની હતી અને તેને વિશ્વાસઘાત ગણાવી શકાય નહીં. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ સાથે હાલના તબક્કે સારા સંબધ છે. જો કે તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કિમ જોંગ સાથે તેમના સંબધો ખરાબ થઇ શકે છે પણ હાલમાં નહીં.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JGVC7N
via Latest Gujarati News

Post a Comment

0 Comments