કેજરીવાલે રૂ. છ કરોડમાં પિતાને ટિકિટ વેચી હોવાનો આપના દિલ્હીના ઉમેદવારના પુત્રનો આક્ષેપ


નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે રવિવારે દિલ્હીની સાતે ય બેઠકો માટે મતદાન યોજાશે. એના કલાકો અગાઉ આમ આદમી પાર્ટીના પશ્ચિમ દિલ્હી બેઠકના ઉમેદવાર બલબીરસિંહ જાખડ સામે સનસનાટીપૂર્ણ આક્ષેપ થયો છે.

બલબીરસિંહ જાખડના પુત્ર ઉદયસિંહ જાખડે આ આક્ષેપ કરતા કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ કરોડ રૃપિયામાં પશ્ચિમ દિલ્હીની લોકસભા બેઠકની ટિકિટ એમના પિતા બલબીરસિંહ જાખડને વેચી છે.

બલબીર જાખડના પુત્ર ઉદય જાખડે આજે અત્રે પત્રકારોને જણાવ્યું કે એમના પિતાએ લગભગ ત્રણ માસ અગાઉ રાજકારણમાં ઝૂકાવ્યું છે. એમણે અરવિંદ કેજરીવાલને ચૂંટણીની ટિકિટ માટે છ કરોડ રૃપિયા આપ્યા છે. ઉદયે આ વાતની સાબિતીરૃપ પુરાવા પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે.

ઉદય જાખડે પિતા સામે કરેલો બીજો આક્ષેપ પણ ચોંકાવનારો છે.

એમણે કહ્યું કે મારા પિતા બલબીરસિંહ જાખડે ૧૯૮૪ના દિલ્હીના શીખવિરોધી રમખાણોના ખલનાયક સજ્જનકુમારને મદદ કરી છે.

ઉદયે કહ્યું કે પોતે પશ્ચિમ દિલ્હીના લોકોને સચ્ચાઇ જણાવવા માટે પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયા છે. બલબીરસિંહ જાખડ દેશને તોડનારાઓની સાથે છે, એમ ઉદય જાખડે કહ્યું.

મેં કરેલા ઉપરોક્ત ખુલાસા પછી મારા પર ધમકીભર્યા ફોન આવી રહ્યા છે, એમ જણાવીને ઉદય જાખડે ઉમેર્યું કે પોતે કોઇના પ્રભાવની અસર હેઠળ ઉપરોક્ત આક્ષેપ કરી રહ્યા નથી. ''એમણે પોતે (બલબીરજીએ) મને આ વાત કરી હતી '' એમ ઉદયે કહ્યું.

પોતે રેકોર્ડિગ કર્યુ નહિ હોવાના સ્વીકાર સાથે ઉદયે દાવો કર્યો કે પોતે જે સાચું છે એ જ જણાવી રહ્યા છે.

જો કે આપના પશ્ચિમ દિલ્હીના ઉમેદવાર બલબીરસિંહ જાખડે આ આક્ષેપોને ફગાવી દેતા કહ્યું કે એમના અને એમની પત્નીના, લગ્નના થોડાક સમયમાં જ છૂટાછેડા થઇ ગયા હતા. એમનો પુત્ર ઉદય નાનપણથી એના નાના-નાની સાથે રહે છે. ઉદયે કરેલા આક્ષેપ પાયાહીન છે. કદાચ કોઇ રાજકીય કાવતરૃં હોઇ શકે.

કોંગ્રેસના સંદીપ દીક્ષિતે ઉદય જાખડે કરેલા આક્ષેપો વિષેના પ્રતિભાવમાં જણાવ્યું કે આ એમના માટે સામાન્ય વાત છે. ચૂંટણીમાં પરાજય જોઇ રહેલા ઉમેદવારે પુત્ર મારફતે હૈયાવરાળ ઠાલવી છે.

પશ્ચિમ દિલ્હીની લોકસભા બેઠક પર આપના ઉમેદવાર બલબીરસિંહ જાખડની સામે કોંગ્રેસે મહાબલ મિશ્રા, જ્યારે ભાજપે પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJEa6h
via Latest Gujarati News

Post a Comment

0 Comments