
મે મહિનાની આગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે ઓરિસ્સાના તિતલાગઢમાં આવેલા ૩૦૦ વર્ષ જુના શિવ મંદિરની અંદરનું તાપમાન ૨૦ ડિગ્રી જયારે બહારનું તાપમાન ૪૨ ડિગ્રી જેટલું રહે છે.આથી તિતલાગઢ તથા આસપાસથી મંદિરમાં આવતા સ્થાનિક લોકોને આની ખૂબજ નવાઇ લાગે છે.ખાસ કરીને ઓરિસ્સામાં કાળઝાળ ગરમીની લપેટમાં આવીને અનેક લોકો મોતને ભેટે છે ત્યારે પહાડ પર પથ્થરોની વચ્ચે આવેલા આ મંદિરની ખાસિયત ધ્યાન ખેંચે તેવી છે.
આ શિવમંદિરનું લોકેશન એ પ્રકારનું છે કે ઉનાળામાં ગરમ થયેલા પથ્થરોમાંથી પરાવર્તિત થયેલી ગરમીના લીધે બહારના ભાગમાં અસહ્ય્ય ગરમી અને ઉકળાટ લાગે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણી વાર તો મંદિરની બહારનું તાપમાન ૫૦ ડિગ્રીને પણ વટાવી જાય છે. આથી ઉનાળામાં દર્શન માટે બહાર રાહ જોઇ રહેલા પરસેવાથી રેબઝેબ થઇ જાય છે પરંતુ આ ભકતો મંદિરના ગભગૃહમાં પ્રવેશે ત્યારે એસી જેવી ઠંડક અનુભવે છે. પહેલી વાર આ મંદિરના દર્શને આવનારાને તાપમાનનો આટલો મોટો ફેરફાર ભારે નવાઇ પમાડે છે.

આ મંદિર પ્રાચિન સમયમાં પથ્થરોે તરાશીને ખૂબજ ઉંડી ગુફામાં તૈયાર કરવામાં આવ્યું હોવાથી સૂર્યની ગરમીની અસર મંદિરના અંતસ્થ વિભાગ સુધી પહોંચી શકતી નથી. આથી મંદિરમાં જમા થયેલી હવાને ગરમીનો સંપર્ક ન થવાથી અંદરની હવા ઠંડી જ રહે છે. આ કારણથી જ બહાર ગમે તેટલા પથ્થરો ગરમ થાય તો પણ અંદરના તાપમાનમાં ખાસ ફેરફાર થતો નથી. આથી પૂજા અર્ચના માટે જતા લોકો શિતળતાનો અનુભવ કરવા માટે વધુ સમય ગાળે છે. જો કે કેટલાક શ્રધ્ધાળુઓનું માનવું છે કે આ શિતળતાનું કોઇ ભૌગોલિક કારણ નહી પરંતુ ભગવાનની જ કૃપા હોવાથી મૂર્તિમાંથી શિતળતા હવાથી જ મંદિર ઠંડુ રહે છે.
.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J7USZO
via Latest Gujarati News
0 Comments