પુલવામામાં હુમલો, પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે પાંચમા તબક્કાનું 62.56 ટકા મતદાન


સ્થાનિકોમાં ભયને પગલે માત્ર 2.14 ટકા મતદાન,  84,775માંથી માંડ એક હજાર જેટલાએ મત આપ્યા : રાહુલ ગાંધી અને સ્મૃતિ વચ્ચે અમેઠીમાં ટક્કર, સોનિયા ગાંધીએ રાય બરેલી અને રાજનાથસિંહે લખનઉમાં ચૂંટણી લડી 

મધ્ય પ્રદેશમાં ચૂંટણીમાં તૈનાત હોમગાર્ડ અને એક મતદાન કર્મચારીનું હાર્ટ એટેકથી મોત 

પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાની ઘટનાઓ 

નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીના સાત પૈકી પાંચમા તબક્કા માટે સોમવારે મતદાન પૂર્ણ થઇ ગયું હતું. જોકે કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહીતના કેટલાક રાજ્યોમાં હિંસાની ઘટના પણ સામે આવી હતી. આ તબક્કામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અમેઠીથી, સોનિયા ગાંધી રાય બરેલીથી, અને રાજનાથસિંહ લખનઉથી ચૂંટણી લડી રહ્યા છે.

તેમની આ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જોકે પશ્ચિમ બંગાળ અને કાશ્મીરમાં હિંસાની ઘટના સામે આવી હતી. આ પાંચમાં તબક્કામાં સાત રાજ્યો પૈકી  રાજસ્થાનમાં ૧૨, પશ્ચિમ બંગાળમાં સાત, ઉત્તર પ્રદેશમાં ૧૪, મધ્ય પ્રદેશમાં સાત, બિહારમાં પાંચ, ઝારખંડમાં ચાર બેઠકો પર મતદાન યોજાયું હતું.

૫૧ બેઠકો પર સરેરાશ ૬૨.૫૬ ટકા મતદાન થયું હતું. આ પાંચમાં તબક્કામાં લોકસભાની કુલ ૫૧ બેઠકો પર મતદાન યોજાયું જેમાં ૪૦ બેઠકો એવી છે કે જ્યાં ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું જ્યારે કોંગ્રેસને બે અને અન્ય પક્ષોને ૧૦ જેટલી બેઠકો મળી હતી. 

જોકે આ વખતે ભારે ટક્કર જોવા મળી રહી છે. મતદાન માટે તૈયાર કરાયેલા ૯૪ હજાર જેટલા મતદાન મથકો ભારે સુરક્ષાની વ્યવસ્થા કરાઇ હતી. આ અત્યાર સુધીનો સૌથી નાનો તબક્કો હતો જેમાં ૬૭૪ ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ઉત્તર પ્રદેશમાં અમેઠી રાહુલ ગાંધીની સામે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણી લડી રહ્યા છે, આ ઉપરાંત આ બેઠક પર અન્ય ૨૫ ઉમેદવારોએ પણ નસીબ અજમાવ્યા હતા. 

દરમિયાન જમ્મુ કાશ્મીરના આતંકવાદથી પ્રભાવિત વિસ્તાર પુલવામામાં એક મતદાન મથક પર જ આતંકીઓએ ગ્રેનેડ ફેક્યો હતો, આ ઉપરાંત અહીં અનેક સ્થળોએ હિંસા પણ થઇ હતી જેની અસર મતદાન પર જોવા મળી હતી. પુલવામા અને શોપિંયામાં અનેક મતદાન મથકો ખાલી રહ્યા અને કોઇ પણ મતદાન કરવા નહોતુ આવ્યું, કેટલાક સ્થળોએ ઝિરો ટકા વોટિંગ તો કેટલાક સ્થળોએ ત્રણથી લઇને ૨૫ ટકા જેટલુ મતદાન થયું હતું.

આ બન્ને મત વિસ્તારોમાં આતંકીઓનું પ્રમાણ વધુ સામે આવ્યું હતું અને અનેક એન્કાઉન્ટર પણ થયા છે. આતંકીઓના ભયને પગલે આશરે ૧૨૫૦માંથી ૩૨૦ મતદાન મથકો પર એક પણ મત નહોતો પડયો. પુલવામામાં ૨.૧૪ ટકા જ મતદાન થયું હતું કેમ કે ૮૪,૭૭૫માંથી એક હજાર જેટલા  લોકોએ જ મત આપ્યા હતા.

કાશ્મીર ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ બેરેકોપ બેઠક પર ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ભારે મારામારી થઇ હતી, અહીં બન્ને પક્ષના ઉમેદવારોએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા.  જ્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણી માટે તૈનાત એક હોમગાર્ડ સહીત બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા.

બન્નેને હાર્ટ એટેક આવી ગયા હતા જેને પગલે મોતને ભેટયા હતા. દરમિયાન અનેક રાજ્યોમાં ઇવીએમની ખરાબીની ફરિયાદો સામે આવી હતી, હિંસા, આતંકી હુમલા, ઇવીએમની ખરાબી અને કેટલાક કર્મચારીઓના મોત વચ્ચે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦.૮ ટકા મતદાન થયું હતું.

સાત રાજ્યોમાં ૫૧ બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં ૭૪.૪૨, બિહારમાં ૫૬.૭૯, ઉત્તર પ્રદેશમાં ૫૭.૩૩, મધ્ય પ્રદેશમાં ૬૨.૯૬, રાજસ્થાનમાં ૬૬.૧૨ ટકા મતદાન યોજાયું હતું. જ્યારે ઝારખંડમાં ૬૩.૯૯, બિહારમાં ૫૬.૭૯ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૧૭.૦૭ ટકા મતદાન થયું છે. જ્યારે અમેઠીમાં ૫૩, રાયબરેલીમાં ૫૩.૬૮, લખનઉમાં પણ ૫૩ ટકા મતદાન થયું હતું. 

લગ્નની વિદાય પહેલા  દુલ્હન મતદાન માટે પહોંચી

(પીટીઆઈ) કેસરગંજ, તા. ૬

ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કાના મતદાન માટે વહેલી સવારથી જ ગોંડા અને કેસરગંજ લોકસભા બેઠકો પર ભારે ભીડ જોવા મળી હતી. બપોરે તડકો ચડે તે પહેલા જ મતદાન કરી લેવા માટે લોકો મતદાન શરુ થયું તે પહેલા જ લાંબી લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારે કેસરગંજ લોકસભા બેઠક અંતર્ગતના બેલસર ગામમાં એક દુલ્હન પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી બનવા પહોંચી ગઈ હતી.

દીપશિખા પાંડે નામની યુવતી પોતાના લગ્ન દરમિયાન વિદાય પહેલા જ પોતાની માતા, નાની બહેન અને પિતાને લઈને મતદાન મથકે પહોંચી ગઈ હતી. મતદાન માટે પહોંચેલો દીપશિખાનો પરિવાર ત્યાં ઉપસ્થિત લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

હજારીબાગમાં કેન્દ્રીય મંત્રી જયંત સિંહા ભાજપના સ્ટાર ઉમેદવાર

ઝારખંડના હજારીબાગ ક્ષેત્રમાં પુત્ર ૧૦૫ વર્ષની માતાને તેડીને મતદાન માટે પહોંચ્યો 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૬

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન ઝારખંડના હજારીબાગ મતદાન મથક ખાતે એક વ્યક્તિ પોતાની ૧૦૫ વર્ષની ઉંમર ધરાવતી માતાને તેડીને મતદાન માટે પહોંચી હતી. વહેલી સવારે મતદાન શરુ થયું તે વખતે એક માણસ ગુલાબી સાડીમાં સજ્જ માતાને તેડીને બૂથ પર પહોંચી હતી અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરણા આપી હતી.

મતદાન મથક પર ઉપસ્થિત અનેક લોકો પુત્રના માતા પ્રત્યેના પ્રેમ અને મતદાનની ફરજ પૂરી કરવા માટેની તત્પરતાના ફોટો પાડતા જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં જમ્મુ કાશ્મીર, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એમ કુલ સાત રાજ્યની ૫૧ બેઠકો માટે મતદાન યોજાયું હતું. પાંચમા તબક્કામાં ઝારખંડની ૧૪ લોકસભા બેઠકો પૈકીની હજારીબાગ સહિતની ચાર બેઠકો માટે મતદાન યોજાયેલું.

હજારીબાગ મત ક્ષેત્રમાં મતદાન માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા પણ વહેલી સવારે જ પહોંચી ગયા હતા. ભાજપના પૂર્વ નેતા સિંહાએ જણાવ્યું કે જ્યાં સુધી તેમણે આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું ત્યાં સુધી તેમણે પ્રગતિના પંથે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપવા પ્રયત્નો કર્યા હતા. ત્યાર બાદ તેમણે ૨૦૧૪માં સ્વૈચ્છિક રીતે જ નિવૃત્તિ જાહેર કરી હતી અને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તે બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી જયંત સિંહાને પોતાના ઉમેદવાર જાહેર કરેલા છે. 

અમેઠીમાં સ્મૃતિનો રાહુલ પર બુથ કેપ્ચરિંગનો આરોપ 

અમેઠી, તા. ૬

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે ૨૦૧૪માં અમેઠીની લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયેલા સ્મૃતિ ઇરાની ફરી આ જ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન સોમવારે પાંચમાં તબક્કામાં થયેલા મતદાનમાં અમેઠીનો પણ સમાવેશ થાય છે. અહીં મતદાન સમયે સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. સાથે સ્મૃતિએ એક વીડિયો પણ ટેગ કર્યો હતો જેમાં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મને મારી મરજી વિરુદ્ધ બળ જબરીથી પંજાને મત અપાવ્યો હતો. સાથે સ્મૃતિએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે મતદાન છે ત્યારે રાહુલ ગાંધી અમેઠીમાં ક્યાંય પણ જોવા નથી મળી રહ્યા. 

રાજસ્થાનમાં કોંગ્રેસના ઉમેદવાર પર કાર્યકર્તાના અપહરણનો ભાજપનો આરોપ 

રાજસ્થાનમાં ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારે પક્ષના કાર્યકર્તાઓને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બાદમાં ચૂંટણી પંચ સમક્ષ ભાજપના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઇનચાર્જ નહારસિંહે ફરિયાદ કરી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અહીંના સિકર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુભાષ મહેરીયાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી સાથે એક કાર્યકર્તાનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અમારા કાર્યકર્તાને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ મામલે હાલ ચૂંટણી પંચે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

બિહારમાં અધિકારીઓ, મેજિસ્ટ્રેટ્સ સહીત ૨૦ ચૂંટણીકર્મીઓ સસ્પેન્ડ

મધ્ય પ્રદેશમાં ચૂંટણી માટે તૈનાત બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા જ્યારે બીજી તરફ ૨૦ ચૂંટણી કર્મચારીઓને કામગીરીમાં યોગ્ય રીતે ધ્યાન ન આપવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. ચૂંટણી પંચે સોમવારે આ નિર્ણય લીધો હતો. બિહારની મુંગેર લોકસભા બેઠક પર આ ગેરરીતી સામે આવી હતી. અહીં તૈનાત પૈકી આશરે ૨૦ જેટલા કર્મચારીઓએ પત્રકારોની સાથે મારપીટ કરી હતી. જે ૨૦ ચૂંટણી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમાં પ્રેસિડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મેજિસ્ટ્ેટ્સ અને પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચને આ કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ મળેલી ફરિયાદો બાદ આ પગલુ લેવામાં આવ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WwtkQM
via Latest Gujarati News

Post a Comment

0 Comments