ત્રિપુરામાં વાવાઝોડાને પગલે ઘરોને નુકસાન, અનેક વૃક્ષો ધરાશાયી : અંધારપટ


(પીટીઆઈ) અગરતલા, તા.16 મે, 2019, ગુરૂવાર

ત્રિપુરામાં ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ઉપરાંત વીજળીના અનેક તારો તથા સેંકડો ઘરોને નુકસાન પહોંચ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મુખ્ય અધિકારી સરત દાસે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે કુલ ૩૮૨ ઘરને નુકસાન પહોંચ્યું છે તથા અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સરહદમાં આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

મુખ્ય સચિવ એલ.કે. ગુપ્તાએ વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને અગાઉથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી લીધી છે અને તેમને પાણીનો નિકાલ કરવા માટે જરુરી પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે વૃક્ષો તૂટી પડવાને કારણે ખોરવાયેલા વીજ પ્રવાહનેે પુન:સ્થાપિત કરી દેવાયો છે. 

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે સરકાર સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી રહી છે અને મુખ્યમંત્રી વિપ્લવ દેવે જાતે જ તમામ અધિકારીઓને ઝડપથી સ્થિતિ સામાન્ય કરવા માટે સૂચન કર્યું છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી મહિને ચોમાસાના આગમન સુધી શહેરમાં આ પ્રકારના તોફાન જોવા મળશે. બુધવારે સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૯.૯ એમએમ વરસાદ નોંધાયો હતો તથા આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદ સહિત વાવાઝોડું ચાલુ રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30rKMIr
via Latest Gujarati News

Post a Comment

0 Comments