આ પથ્થરોનો ઉપયોગ ઈજિપ્તના જગવિખ્યાત બાળ રાજા તુતાનખામેનના મુગટમાં પણ થતો હતો
સિડની, તા.16 મે, 2019, ગુરૂવાર
છેલ્લી એક સદીથી ઈજિપ્તના રણમાંથી પીળા કલરના પોખરાજ જેવા પથ્થરના ટૂકડા મળી આવતા હતા. સંશોધકો સમજી શકતા ન હતા કે આ ચમકદાર પથ્થર (ડેઝર્ટ ગ્લાસ) શેના બનેલા છે, કઈ રીતે રચાયા હશે? પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની કર્ટન યુનિવર્સિટીના સંશોધકોએ આ રહસ્યના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તેમના સંશોધન પ્રમાણે આ પથ્થર લઘુગ્રહની અથડામણ પછી સર્જાયેલા ટૂકડા છે. બધા જ ટૂકડા લગભગ ૨.૯ કરોડ વર્ષ પુરાતન છે.
ઈજિપ્તના પશ્ચિમ ભાગમાં આવેલા રણમમાં આ પથ્થરો નિયમિત મળતાં રહે છે. ઈજિપ્તને અડીને લિબિયા આવેલો છે. લિબિયાના રણમાં પણ આ પથ્થરો હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા જોવા મળે છે.
ઈજિપ્તમાં આ પથ્થર ઈજિપ્શિયન ગ્લાસ તરીકે જ્યારે લિબિયામાં લિબિયન ડેઝર્ટ ગ્લાસ તરીકે ઓળખાય છે. આ પીળા-ચમકદાર અને દેખાવે આકર્ષક પથ્થર શેના છે એ સંશોધકો સમજી શકતા ન હતા. તેને કિંમતી ધાતુ માનીને ઘરેણામાં ઉપયોગ કરવામાં આવતો હતો.
ઈજિપ્તના જગવિખ્યાત બાળ રાજવી તુતાનખામેનના સવા ત્રણ હજાર વર્ષ પહેલાના યુગમાં આ પથ્થર વપરાતા હતા. રાજા તુતના મુગટમાં આ પથ્થર જડેલા જોવા મળ્યાં છે. ૧૯૨૨માં જ્યારે રાજા તુતની કબર ખુલી ત્યારે તેની સાથે મળી આવેલા ઘરેણામાં આ પથ્થર જડેલા હતા. ત્યારે સંશોધકો સમજી શક્યા ન હતા કે આ ક્યા પ્રકારના પથ્થર છે. પરંતુ દેખાવે પીળા હોવાથી એ પોખરાજ જેવા લાગે છે.
સંશોધકોએ આ પથ્થરોની તપાસ કરી તો તેમાંથી ઝિરકોન અને રેઈડાઈટ નામના બે ધાતુતત્ત્વો મળી આવ્યા હતા. આ બન્ને ધાતુ સામાન્ય રીતે લઘુગ્રહની પછડાટ વખતે જ સર્જાતી હોય છે. અવકાશમાંથી આવતો લઘુગ્રહ ધરતી સાથે પ્રચંડ વેગે અફડાતો હોય છે.
એ વખતે ઉડતી ધૂળ દિવસો-મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી શાંત પડતી નથી. એમાંથી જ નવા નવા પથ્થરો રચાતા હોય છે. એ વખતે જ અતીશુદ્ધ રેતીના પથ્થર જેવા આ ઈજિપ્શિયન કાચના ટૂકડા સર્જાયા હોવાનું અનુમાન સંશોધકોએ આધાર-પૂરાવા સાથે રજૂ કર્યું હતુ.
પૃથ્વી પર લાખો વર્ષમાં ક્યારેક લઘુગ્રહની અથડામણ થતી રહે છે. સાડા સાત કરોડ વર્ષ પહેલા એવી અથડામણને કારણે જ ડાયનાસોર સહિતની જીવસૃષ્ટિનો નાશ થયો હોવાનું મનાય છે. લઘુગ્રહ અથડાય ત્યારે પૃથ્વીના સ્વરૃપમાં ઘણો ફેરફાર નોંધાતો હોય છે. સંશોધકોના અંદાજ પ્રમાણે ૨.૯ કરોડ વર્ષ પહેલાના લઘુગ્રહ અકસ્માતથી અંદાજે ૧૦૦ મેટ્રિક ટન જેટલા આવા પથ્થરો પેદા થયા હશે અને જ્યાં ત્યાં વિખરાયા હશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30yAPJw
via Latest Gujarati News
0 Comments