13 ઉપકરણો સાથે ચંદ્રયાન-2 ચોમાસામાં રવાના થશે : અમેરિકાને વિનામૂલ્યે ચંદ્ર સવારી કરાવાશે!


અમદાવાદ, તા.16 મે, 2019, ગુરૂવાર

ભારતનું મહાત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ આગામી ચોમાસા દરમિયાન રવાના થાય તેની શક્યતા છે. જુલાઈ મહિનામાં ૯થી ૧૬ તારીખ વચ્ચેનો સમય લૉન્ચિંગ માટે શ્રેષ્ઠ હોવાનું ઈસરોએ જણાવ્યુ હતું. અવકાશ મિશન ગમે ત્યારે લૉન્ચ કરી શકાતા નથી. ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક આવવાનો હોય એવા સમયે લૉન્ચ કરવામાં આવે તો મિશન સરળતાથી, ઓછા સમયમાં તેના લક્ષ્યાંક સુધી પહોંચી શકે છે. આવા અનુકૂળ સમયને લૉન્ચિંગ વિન્ડો કહેવામાં આવે છે. ચંદ્રયાન-૨ માટે હાલ નક્કી થયેલી લૉન્ચિંગ વિન્ડો જુલાઈની ૯થી ૧૬ વચ્ચે છે. એ તારીખોમાં લૉન્ચિંગ થશે તો ૬ સપ્ટેમ્બર સુધીમાં ચંદ્ર સુધી પહોંચી જશે. ભારતના ચંદ્રયાનનું બજેટ ૮૦૦ કરોડ રૃપિયા છે. 

ચંદ્રયાન કુલ ૧૩ પે-લોડ (વૈજ્ઞાાનિક ઉપકરણો) સાથે લઈ જશે. એ ઉપરાંત નાસાનું એક લેસર રિફ્લેક્ટિવ એરી નામનું પેસિવ એક્સપરિમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ પણ હશે. આ સાધન ઈસરો વિનામૂલ્યે ચંદ્રયાન-૨ સાથે લઈ જઈ રહી છે. એટલે કે નાસા-અમેરિકા પાસેથી તેનો કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી. એ રીતે ભારત અમેરિકાને વિનામૂલ્યે ચંદ્ર-સફર કરાવશે.

નાસાના એ સાધનનું કામ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર માપ્યા કરવાનું છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સરેરાશ અંતર ૩,૮૨,૦૦૦ કિલોમીટર જેવું હોય છે. પરંતુ એ અંતર ફરતું રહે છે. અંતરનો ફેરફાર નોંધવાનું કામ નાસાની એ માપપટ્ટી કરશે, જે ચંદ્રયાન-૨ના લેન્ડર સાથે ફીટ થશે. નાસાએ આ સિસ્ટમ ચંદ્રમિશન સાથે ફીટ કરવા ઈસરોને વિનંતી કરી હતી અને ઈસરોએ એ વિનંતી માન્ય રાખી હતી. ૧૩ પે-લોડમાંથી ૮ ઓર્બિટર પર, ૩ લેન્ડર પર અને ૨ રોવર પર હશે. 

ભારતનું ચંદ્રયાન-૨ ૨૦૦૮માં રવાના થયેલા પહેલા ચંદ્રમિશન કરતાં ઘણુ આધુનિક છે. પહેલું મિશન માત્ર ઓર્બિટર અને લેન્ડર હતું. એટલે કે એક ભાગ ચંદ્રની કક્ષામાં ઘૂમતો રહ્યો હતો, બીજો ભાગ, ચંદ્રની સપાટી પર પછડાટ સાથે ઉતર્યો હતો. ચંદ્રયાન-૨ ઓર્બિટર (કક્ષામાં ભ્રમણ કરનારું), લેન્ડર (ચંદ્રની સપાટી પર ઉતરાણ કરનારું) અને રોવર (ચંદ્રની સપાટી પર પ્રવાસ કરનારું) એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.

એટલા માટે આ મિશન ભારત માટે મોટો ટેકનોલોજિકલ પડકાર છે. કેમ કે રોવર બનાવામાં સફળતા મેળવનારા દેશો બહુ ઓછા છે. રોવરને પ્રજ્ઞાાન જ્યારે લેન્ડરને વિક્રમ સારાભાઈની યાદમાં વિક્રમ નામ આપવામાં આવ્યું છે. ભારત આ લૉન્ચિંગ માટે ઈસરોનું શક્તિશાળી રોકેટ જીએસએલવી-એમકે-૩ વાપરશે. 

ચંદ્રયાન-૨નું વજન ૩.૮ ટન છે. એમાંથી લેન્ડરનું વજન અંદાજે ૧૨૫૦ કિલોગ્રામ હશે, જેમાં રોવરનો પણ સમાવેશ થશે. રોવર ચંદ્ર પર ઉતરીને ૧૪-૧૫ દિવસ સુધી સફર કરશે. એ દરમિયાન ૩૦૦-૪૦૦ મિટરનું અંતર કાપશે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી ૧૦૦ કિલોમીટર ઊંચે રહીને ભ્રમણ કરશે.

ચંદ્રયાન-૨નું લેન્ડર ઓબટરથી અલગ પડશે પછી તેમાં રહેલી પેરેશૂટ ખુલશે અને તેની મદદથી એ હળવેકથી ચંદ્રની સપાટી પર ઉતરશે. એમાંથી રોવર ત્યાં અલગ પડશે અને પોતાની સ્વતંત્ર કામગીરી આરંભશે. ચંદ્ર પર બરફ સ્વરૃપે પાણી હોવાનું ભારતે ૨૦૦૮માં રવાના કરેલા પ્રથમ ચંદ્રયાન મિશન પહેલેથી જ સાબિત કરી દીધું છે.

હવે ચંદ્રયાન-૨નું કામ પાણી અંગેના વધારે નક્કર પૂરાવા એકઠા કરવાનું છે. માટે જ ઈસરોએ બીજા મિશનમાં માત્ર ચંદ્રની સપાટી ફરતે ચક્કર કાપવાને બદલે ચંદ્રની ધરતી પર સફર કરવાનું આયોજન કર્યું છે. કોઈ પણ બીજા ગ્રહ પર રોવર આમથી તેમ ફેરવવું ટેકનોલોજીની દૃષ્ટિએ કપરું કામ છે. એટલે જ ચંદ્રયાન-૨ ઈસરો માટે અત્યાર સુધીના બધા મિશનોમાં સૌથી વધુ પડકારજનક ગણાય છે.

પાંચ ઉપકરણ ગુજરાતમાં બનેલા છે

ઈસરોના બે મહત્ત્વના કેન્દ્રો સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) અમદાવાદમાં આવેલા છે. ઈસરોના દરેક મિશનની માફક આ વખતે પણ સ્પેસક્રાફ્ટના કેટલાક ઉપકરણો અમદાવાદમાં તૈયાર થયા છે. ભારતના કુલ ૧૩ પે-લોડ છે, જેમાંથી પાંચ ગુજરાતમાં બન્યા છે. સેક દ્વારા ત્રણ પે-લોડ જ્યારે પીઆરએલ દ્વારા બે પે-લોડ તૈયાર કરાયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HrqA2d
via Latest Gujarati News

Post a Comment

0 Comments