જેફ કૂને સ્ટીલમાંથી બનાવેલું સસલાંનું શિલ્પ 9.11 કરોડ ડૉલરની વિક્રમી કિંમતે વેચાયું


શિલ્પ જોકે જેફ પાસે નહીં અમેરિકન પ્રકાશક પાસે હતું

ન્યૂયોર્ક, તા.16 મે, 2019, ગુરૂવાર

અમેરિકામાં આજે સ્કલ્પચર આર્ટિસ્ટ (શિલ્પકાર) જેફ કૂને બનાવેલું શિલ્પ ૯.૧૧ કરોડ ડૉલર (૬૩૮ કરોડ રૃપિયા)માં વેચાયુ હતુ. કોઈ પણ શિલ્પકારને તેમની હયાતીમાં મળેલી તેમના શિલ્પની આ સૌથી મોટી કિંમત છે.

આ શિલ્પ એક સસલાનું છે અને સ્ટીલમાંથી બનાવેલું છે. ૬૪ વર્ષના અમેરિકી શિલ્પકાર જેફ સ્ટીલના શિલ્પો સર્જવા માટે જાણીતા છે. હરાજી કરનારી કંપની ક્રિસ્ટી દ્વારા યોજાયેલી હરાજીમાં આ શિલ્પ વિક્રમજનક કિંમતે વેચાયુ હતુ. જોકે વેચાયુ એ વખતે શિલ્પ જેફની માલિકીનું ન હતું, પરંતુ અમેરિકાના જાણીતા મેગેઝિન પ્રકાશક સેમ્યુઅલ ઈરવિંગ ન્યુહાઉસ પાસે હતું. 

અમેરિકાના ટ્રેઝરી સેક્રટરી (નાણા મંત્રી) સ્ટીવન મનુચનના પિતા રોબર્ટ મનુચને આ શિલ્પ ખરીદ્યું હતું. જોકે મનુચને આ શિલ્પ બીજા કોઈ વતી ખરીદ્યાનું જણાવ્યું હતું. એ ખરીદદારનું નામ તેમણે જણાવ્યુ ન હતું. શિલ્પની કિંમત તો ૮ કરોડ ડૉલર થાય છે, જ્યારે કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી કિંમત ૯.૧૧ કરોડ ડૉલર ગણાય છે.

આ પહેલા પણ જેફનું એક બલૂન ડોગ નામનું શિલ્પ ૨૦૧૩માં ૫.૮૪ કરોડ ડૉલરમાં વેચાયુ હતું. આ સસલાનું શિલ્પ જેફે છેક ૧૯૮૬માં તૈયાર કર્યું હતુ. ૧૯૭૬માં ન્યુયોર્કમાં આવેલા કૂનના સ્ટુડિયોમાં ૧૦૦થી વધારે કલાકારો કામ કરે છે. 

૨૦૧૭માં ન્યુહાઉસનું અવસાન થયું હતું. એ વખતે તેમના સંગ્રહમાંથી આ શિલ્પ પણ મળ્યું હતું. ન્યુહાઉસે ૧૯૯૨માં ૧૦ લાખ ડૉલરની તોતીંગ કિંમતે આ શિલ્પ ખરીદ્યું હતું. હવે તેની હરાજી યોજાઈ હતી. એટલે કે શિલ્પની જે કિંમત ઉપજી એ તેના સર્જકને નથી મળી, પરંતુ જેની માલિકી હતી તેને મળી છે.

આ સસલાંની ઊંચાઈ ૪૧ ઈંચ જ છે. કળાના જાણકારો આ શિલ્પને ૨૦મી સદીના ઉતરાર્ધમાં તૈયાર થયેલું સર્વોત્તમ સ્કલ્પચર ગણાવે છે. ખાનગી માલિકીનું હોવાથી છેલ્લા ૩૦ વર્ષમાં એ શિલ્પ આ હરાજી વખતે પ્રથમવાર જાહેરમાં આવ્યું હતું. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30rLwgH
via Latest Gujarati News

Post a Comment

0 Comments