(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 11 મે, 2019, શનિવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારને સોનાના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ અથડાતા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ફરી રૂ.૭૦ની ઉપર બોલાતા થયાના નિર્દેશો બજારમાંથી મળ્યા હતા. ડોલરના ભાવ જે શુક્રવારે સત્તાવાર બંધ રૂ.૬૯.૯૧ રહ્યા હતા તે આજે બંધ બજારે રૂ.૭૦.૦૨થી ૭૦.૦૩ બોલાઈ રહ્યા હતા.
ઘરઆંગણે શેરબજારો તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર ગબડી છે અને તેની અસર કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર દેખાઈ છે. આ ઉપરાંત દેશમાં ઈન્ડસ્ટ્રીયલ ઉત્પાદનના આંકડા પણ નબળા બહાર પડતાં તેની અસર પણ આજે બંધ બજારો રૂપિયાના ભાવ પર દેખાઈ હતી. ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા ૨૧ મહિનાનું તળીયું બતાવતા હતા. જોકે ઘરઆંગણે વિદેશી હુંડિયામણની અનામતો વધી છે એ જોતાં ડોલરના ભાવ નોંધપાત્ર વધી જવાની શક્યતા પણ ઓછી જણાઈ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૮૮ વાળા રૂ.૩૧૮૭૫થી ૩૧૯૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯ન૦ા ભાવ રૂ.૩૧૯૧૬ વાળા રૂ.૩૨૦૨૫થી ૩૨૦૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૭૦૯૫ વાળા રૂ.૩૭૦૫૦થી ૩૭૧૦૦ બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૦૦ ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચામાં ઔંશના ૧૨૮૬.૯૦ ડોલર રહ્યા પછી છેલ્લે ૧૨૮૬.૩૦ ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ ઔંશના ૧૪.૮૧ ડોલર થઈ છેલ્લે સપ્તાહના અંતે ૧૪.૭૭થી ૧૪.૭૮ ડોલર રહ્યા હતા.
જોકે વિશ્વબજારમાં શોર્ટ સપ્લાયના પગલે પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં ખાસ્સો ઉછાળો આવ્યાના વાવડ હતા. પ્લેટીનમના ભાવ આશરે બે ટકા વધી ઔંશના છેલ્લે ૮૬૫.૫૦થી ૮૬૫.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીમયના ભાવ આશરે ૪થી ૫ ટકા ઉછળી ઔંશના છેલ્લે ૧૩૫૭.૪૦થી ૧૩૫૭.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉંચા મથાળે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના ૭૦.૭૦થી ૭૦.૭૫ ડોલર થયા પછી છેલ્લે ૭૦.૬૦થી ૭૦.૬૫ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ૬૧.૭૫થી ૬૧.૮૦ ડોલર થયા પછી છેલ્લે ૬૧.૬૫થી ૬૧.૭૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં તાજેતરમાં ક્રુડતેલનો સ્ટોક ઘટયો છે. હવે ચીન તથા અમેરિકા વચ્ચે વાતચીત તથા ટ્રેડવોરના પ્રશ્ને આગળ ઉપર કેવા બનાવો બને છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી.
અમેરિકામાં કન્ઝયુમર પ્રાઈસમાં વૃધ્ધિ અપેક્ષાથી ઓછી આપી છે તથા આના પગલે ત્યાં ફુગાવાના આંકડા નિરુત્સાહી આવ્યા છે. આની અસર વિશ્વબજારમાં આવતા સપ્તાહમાં કરન્સી બજારમાં ડોલરના ભાવ દેખાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકાએ ચીનની આસરે ૨૦૦ અબજની ચીજો પર ટેરીફ વધારી છે તથા મહિનામાં વેપાર સમજૂતી નહિં સધાય તો ચીનની બધી ચીજો પર ટેરીફ વધારાશે એવી ચેતવણી અમેરિકાએ આપી છે. આ પ્રશ્ને હવે ચીનની સરકાર કેવો અભિગમ બતાવે છે તેના પર બધાની નજર હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDFgQC
via Latest Gujarati News
0 Comments