નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર
અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધને પરિણામે વિતેલા સપ્તાહમાં વૈશ્વિક શેરબજારોમાં રોકાણકારોની સંપતિમાં ૨.૧૦ ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. વર્લ્ડ માર્કેટ કેપિટલાઈઝેશન જે સપ્તાહના પ્રારંભમાં ૭૯.૯૦ ટ્રિલિયન ડોલર હતી તે સપ્તાહ અંતે ઘટીને ૭૭.૮૦ ટ્રિલિયન ડોલર રહી છે.
વિશ્વની બીજી મોટી માર્કટ ચીનની માર્કેટ કેપમાં ૬૨૪ અબજ ડોલરનું ધોવાણ થયું છે જ્યારે અમેરિકાના શેરબજારની માર્કેટ કેપમાં ૩૬૭ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
અમેરિકન પ્રમુખે ચીનની દરેક આયાત પર ડયૂટી વધારવાની નવેસરથી આપેલી ચીમકીને જોતા માર્કેટ કેપમાં વધુ ધોવાણ નકારી શકાય એમ નથી. જો કે આ માટે એક મહિનાનો સમય અપાયો છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વમાં નવમું સ્થાન ધરાવતા ભારતની માર્કેટ કેપમાં ૧૦૦ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હોવાનું એક સમાચાર સંસ્થા દ્વારા એકત્રિત કરાયેલા આંકડામાં જણાવાયું છે. યુકે, ફ્રાન્સ, કેનેડા તથા જર્મની જેવી મોટી બજારોની સરખામણીએ ભારતની માર્કેટ કેપનું ધોવાણ મોટું છે.
ભારતની માર્કેટ કેપના ધોવાણને પગલે માર્કટ-કેપની દ્રષ્ટિએ જર્મની ભારત કરતા આગળ નીકળી ગયું છે. આ બન્ને મહાસત્તાઓ વચ્ચેના વેપાર યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડવાનો પણ ભય સેવાઈ રહ્યો છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E3cv8W
via Latest Gujarati News
0 Comments