વિદ્યાર્થીઓની મહેનતે મહારાષ્ટ્ર બોર્ડનું બારમાનું કુલ પરિણામ 85.88 ટકા આવ્યું

- આજથી પુનઃમુલ્યાંકન અને ફોટોકોપી માટે અરજી કરી શકાશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 28 મે 2019, મંગળવાર

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું બારમાનું પરિણામ આજે બપોરે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ ૮૫.૮૮ ટકા તો મુંબઈ વિભાગનું પરિણામ ૮૩.૮૫ ટકા આવ્યું છે. પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ ઉત્તમ પરિણામ મેળવવામાં બાજી મારી છે.

પાસ થયેલાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતાં ૭.૮૫ ટકા વિદ્યાર્થિનીઓએ જ્વલંત સફળતા મેળવી છે. કુલ ૯૦.૨૫ ટકા છોકરીઓ ઉત્તિર્ણ થઈ હોઈ છોકરાઓની પાસ થવાની ટકાવરી ૮૨.૦૪ ટકા છે.

બારમાનું જાહેર થયેલું પરિણામ જોઈને વિદ્યાર્થીઓમાં અનેરા જોશ અને જોમનું વાતાવરણ જોવા મળ્યું છે. તો સોશિયલ મીડિયા પર પણ વિદ્યાર્થીઓના વિવિધ ગુ્રપમાં પરિણામને લઈને હકારાત્મક વલણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના કુલ ૪૪૭૦ વિદ્યાર્થીઓને ૯૦ ટકાથી વધુ ગુણાંક પ્રાપ્ત થયા છે.

આ વર્ષે રાજ્યભરના કુલ ૧૪,૯૧,૩૦૬ વિદ્યાર્થીઓએ બારમાની પરીક્ષા આપી હતી. જેમાં ૮,૪૨,૯૧૯ છોકરાઓ તો ૬,૪૮,૧૫૧ છોકરીઓ હતી. તેમાંના કુલ ૧૨,૨૧,૧૫૯ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હોઈ રાજ્યનું પરિણામ ૮૫.૮૮ ટકા જેટલું આવ્યું છે. જે ગત વર્ષની તુલનાએ ૨.૫૩ ટકા ઘટયું હોવાનું સૂચવી જાય છે. 

મુંબઈના ૩,૧૬,૩૪૫ વિદ્યાર્થીઓએ બારમાની પરીક્ષા આપી હતી. જેમાંના ૩૪,૫૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ૭૫ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. ત્યારબાદ પૂણેમાં૧૮,૧૩૨ વિદ્યાર્થીઓ ૭૫ ટકાથી વધુ માર્ક્સ લાવવામાં સફળ રહ્યાં છે. પુનર્મુલ્યાંકન અને ફોટોકોપી માટે ૨૯મીથી અરજી કરી શકાશે. 

મહારાષ્ટ્ર બોર્ડના પરિણામોની શાખાવાર વાત કરીએ તો વિજ્ઞાાન શાખાનું પરિણામ ૯૨.૬૦ ટકા, આર્ટ્સ સ્ટ્રીમનું પરિણામ ૭૬.૪૫ ટકા, કોમર્સ શાખાનું પરિણામ ૮૮.૨૮ ટકા જ્યારે વોકેશનલનું કુલ પરિણામ ૭૮.૯૩ ટકા જેટલું આવ્યું છે. 

ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોંકણ વિભાગ રાજ્યમાં અવ્વલ રહ્યું હોઈ તે વિભાગનું પરિણામ ૯૩.૨૩ ટકા જેટલું આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ નાગપુર વિભાગનું ૮૨.૫૧ ટકા જેટલું આવ્યું છે. 

વિભાગવાર બોર્ડનું પરિણામ

પૂણે - ૮૭.૮૮ ટકા, નાગપુર - ૮૨.૫૧ ટકા, ઔરંગાબાદ - ૮૭.૨૯ ટકા, મુંબઈ - ૮૩.૮૫ ટકા, કોલ્હાપુર - ૮૭.૧૨ ટકા, અમરાવતી - ૮૭.૫૫ ટકા, નાસિક - ૮૪.૭૭ ટકા, લાતુર - ૮૬.૦૮ ટકા, કોંકણ - ૯૨.૨૩ ટકા 

સૈરાટ ફેમ અભિનેત્રી રીંકુ રાજગુરુ 82 ટકા સાથે 'બારમું પાસ'

મહારાષ્ટ્ર બોર્ડે જાહેર કરેલ પૂણે વિભાગના પરિણામમાં મરાઠી ચિત્રપટ સૈરાટની આર્ચી અર્થાત્ અભિનેત્રી રીંકુ રાજગુરુએ ૬૫૦માંથી ૫૩૩ માર્ક મેળવી સરેરાશ ૮૨ ટકા પોતાને નામે કર્યા છે. આ અભિનેત્રીને સૌથી વધુ ૯૮ માર્ક ભૂગોળ વિષયમાં તો ઔથી ઓછા માર્ક એન્વાયર્નમેન્ટ સ્ટડીઝમાં ૪૯ માર્ક્સ મેળવ્યા છે.  

દિવ્યાંગોનું પરિણામ 92.60 ટકા

આ વર્ષે ૨૨ પ્રકારના દિવ્યાંગોએ પણ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કર્યો છે. દિવ્યાંગોનું કુલ પરિણામ ૯૨.૬૦ ટકા આવ્યું છે. ડિસ્ટોનિયાના રોગથી પીડાતી મુંબઈની સોફિયા કૉલેજની વિદ્યાર્થિની નિષ્કા હોસંગડીકરે આઈપેડના માધ્યમે પરીક્ષા આપી હતી. તે આઈપેડ પર ટાઈપ કરતી અને તેનો રાઈટર ઉત્તરવહી પર જવાબ લખતો. આમ છતાં તેણે ૭૩ ટકા મેળવી સારી સફળતા મેળવી છે. 

જ્યારે ઘાટકોપરની રહેવાસી અને ક.જે.સોમૈયા વિદ્યાવિહારની વિદ્યાર્થિની તન્વી મેહતાએ સ્પાઈનલ કોર્ડની તકલીફ હોવા છતાં વ્હીલચેરમાં બેસીને પરીક્ષાનો સામનો કર્યો હતો અને એ પરિસ્થિતીમાં ભણી તેણે ૭૮ ટકા માર્ક્સ મેળવવામાં સફળતા હાંસલ કરી છે.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wd936E
via Latest Gujarati News

Post a Comment

0 Comments