જોહનીસબર્ગ, તા. ૧૧
વર્લ્ડકપ નજીક આવી ગયો છે, ત્યારે સાઉથ આફ્રિકાના કોચ ઓટ્ટી ગિબ્સને માગ કરી છે કે, સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ તેના આઇપીએલમાં રમતા ખેલાડીઓને ઝડપથી પાછા બોલાવી લે. જોકે સાઉથ આફ્રિકાના બોર્ડે તેમના કોચની માગને ઠુકરાવી દીધી છે. જેના કારણે ડુ પ્લેસીસ અને તાહીર ચેન્નાઈ તરફથી અને ડી કૉક મુંબઈ તરફથી આઇપીએલની ફાઈનલમાં રમતાં જોવા મળશે.
સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તેના કોચની રજુઆતને ઠુકરાવી તેની પાછળ આઇપીએલમાંથી મળતી જંગી રકમ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટરો માટે જ નહિ પણ વિદેશી ક્રિકેટ બોર્ડ માટે પણ નાણાનો વરસાદ કરનારી બની રહે છે. આઇપીએલમાં વિદેશી ક્રિકેટરોને રમવાની છૂટ આપવા બદલ જે તે દેશના ક્રિકેટ બોર્ડને જંગી નાણાં ચૂકવવામાં આવતા હોય છે. જેના કારણે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તેના કોચની વાતને કાને ધરી નથી.
સાઉથ આફ્રિકાની ટીમના કોચ ઓટ્ટી ગિબ્સને તેમના ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓ સ્વદેશ પાછા ફરે તેવું આયોજન કરવામાં આવે. જો ખેલાડીઓ આઇપીએલમાંથી વહેલા પાછા ફરશે તો તેમને રિલેક્સ થવાનો અને વર્લ્ડકપની તૈયારીનો સમય મળશે. જોકે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ મે મહિનાની શરૃઆતમાં પાછા ફરે તો નિર્ણાયક તબક્કે લીગને ફટકો પડે તેમ હતો. જેના કારણે સાઉથ આફ્રિકાના બોર્ડે તેમના કોચની વાતને કાને ધરી નહતી.
આઇપીએલની ફાઈનલ આવતીકાલે છે અને આવતીકાલથી જ સાઉથ આફ્રિકામાં વર્લ્ડકપની તૈયારી માટેનો કેમ્પ શરૃ થઈ રહ્યો છે. જોકે સાઉથ આફ્રિકાના ત્રણ ખેલાડીઓ તેમાં મોડેથી જોડાવાના છે. સાઉથ આફ્રિકાની ટીમ તારીખ ૧૯મી મે એ વર્લ્ડકપ માટે રવાના થશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JfKPlv
via Latest Gujarati News
0 Comments