આજે મુંબઈ V/s ચેન્નાઈ વચ્ચે ફાઈનલ : IPLમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો જંગ


હૈદરાબાદ, તા.૧૧

ઈન્ડિયન પ્રીમિયર લીગની બારમી સિઝનની હાઈપ્રોફાઈનલ ફાઈનલમાં આવતીકાલે સુપરસ્ટાર ટીમો - મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાશે. હૈદરાબાદમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે ભારતીય ક્રિકેટના બંને દિગ્ગજોની નજર વધુ એક આઈપીએલ ખિતાબ પર તો રહેશે જ સાથે સાથે બંને ટીમો આઇપીએલમાં 'ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ' બનવાની કોશિશ કરશે. 

આઇપીએલના ૧૨ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૩-૩ ટાઈટલ મુંબઈ અને ચેન્નાઈ જીતી ચૂક્યા છે અને આવતીકાલની ફાઈનલની વિજેતા ટીમ સૌથી વધુ આઇપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો મુકાબલો વધુ રસપ્રદ બની રહેશે. હૈદરાબાદ આવતીકાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી મુકાબલાનો પ્રારંભ થશે. 

મુંબઈની ક્વોલિટી બોલિંગ સામે ચેન્નાઈની કસોટી

જસપ્રીત બુમરાહ, માલિંગા તેમજ પોલાર્ડ અને પંડયા બ્રધર્સ તેમજ રાહુલ ચાહર જેવા ક્વોલિટી બોલરો સામે ચેન્નાઈની બેટીંગની કસોટી થશે. ધોનીની સુપરસ્ટાર ટીમ માટે કંગાળ બેટીંગ માથાનો દુઃખાવો બની રહી છે. ચેન્નાઈની ટીમ રનચેઝમાં કુશળ સાબિત થઈ ચૂકી છે. જોકે પ્રથમ બેટીંગ તેમના માટે ચિંતાનુંકારણ બની રહી છે. ક્વોલિફાયર-વનમાં પણ તેઓ નબળી બેટીંગને લીધે જ હાર્યા હતા. હવે આઇપીએલના ખરાખરીના મુકાબલામાં ઓપનર વોટસન અને ડુ પ્લેસીસની જોડીની સાથે રૈના, મુરલી વિજય અને રાયડુ તેમજ બ્રાવોએ જવાબદારી સાથે બેટીંગ કરવી પડશે. બુમરાહ અને માલિંગા સામે વોટસન-રૈના-બ્રાવોનો સામનો રસપ્રદ બની રહેશે. 

ચેન્નાઈની સ્પિન ત્રિપુટી મુંબઈની બેટીંગ માટે જોખમી

ચેન્નાઈ સુપર કિંગ્સની પાસે તાહીર, જાડેજા અને હરભજન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરની સુપરસ્ટાર સ્પિનરો છે અને આ બાબત તેમને અન્ય ટીમો કરતાં ચડિયાતી સાબિત કરે છે. આ ત્રણ ધુરંધર સ્પિનરોની ૧૨ ઓવરો મેચમાં ઘણો મોટો પ્રભાવ પાડતી હોય છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની મુંબઈની ટીમના બેટ્સમેનો ડી કૉક, હાર્દિક અને કૃણાલ પંડયા તેમજ સૂર્યકુમાર અને ઈશાન કિશને સંભાળીને બેટીંગ કરવી પડશે. ક્વોલિફાયર-વનમાં સૂર્યકુમારે ફોર્મ બતાવ્યું હતુ અને મુંબઈને તેના પુનરાવર્તનની આશા છે. ડ્વેન બ્રાવો અને દીપક ચાહરની ફાસ્ટરોની જોડી પણ ફોર્મ સાબિત કરી ચૂકી છે. સ્પિનરોની બોલબાલા છે, ત્યારે દીપકના સ્થાને કર્ણ શર્માને તક મળી શકે છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટસન, ડુ પ્લેસીસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, બ્રાવો, કર્ણ શર્મા, ઈમરાન તાહીર, હરભજન સિંઘ, સાન્ટનેર, શાર્દૂલ ઠાકુર, મોહિત શર્મા, કે.એમ. આસિફ, દીપક ચાહર, જગદીશન, કુગ્લીસન, શોરેય, બિશ્નોઈ, ગાયકવાડ.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ડી કૉક, સૂર્યકુમાર, યુવરાજ, પોલાર્ડ, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, મેક્ક્લેન્ઘન, માર્કન્ડેય, રાહુલ ચાહર, બુમરાહ, લુઈસ, કિશન, મલિંગા, અનમોલપ્રીત, સિદ્ધેશ લાડ, અનુકૂલ રોય, લુઈસ, પંકજ જયસ્વાલ, બૅન કટિંગ, તારે, સલામ, સરન, જયંત યાદવ, હેન્ડરિક્સ.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E4mxqj
via Latest Gujarati News

Post a Comment

0 Comments