મહારાષ્ટ્રનો દુકાળ કુદરતી નહીં,માનવ સર્જિત છે:આખા ભારતની સૌથી ગંભીર પરિસ્થિતિ


- જળાયુક્ત શિવાર અભિયાનમાં કોન્ટ્રાક્ટરો ક્યાંથી આવી ગયા ?રાજય સરકારે દુકાળગ્રસ્ત વિસ્તારોમાં શેરડીનાપાકની મંજુરી કેમ આપી ?

મુંબઇ,તાઃ  11 મે 2019, શનિવાર

મહારાષ્ટ્રની દુકાળની પરિસ્થિતિ આખા ભારતમાં સૌથી ચિંતાજનક પરિસ્થિતિ છે.મહારાષ્ટ્રના કુલ ૩૬માંથી ૩૨ જિલ્લા દુષ્કાળગ્રસ્ત છે.મોટાભાગના જળાશયો અને મોટા ડેમ સૂકાભઠ્ઠ થઇ ગયા છે.જોકે મારા નિરીક્ષણ મુજબ મહારાષ્ટ્રનો આ દુકાળ કુદરતી નહીં પણ માનવસર્જિત છે.

ભારતના વોટરમેન તરીકે જાણીતા અને પર્યાવરણની સમતુલા જાળવવામાં ઉત્તમ યોગદાન માટે મેગ્સાયસાય અને સ્ટોકહોમ એવાર્ડ્ઝ જેવા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝ મેળવનારા પ્રો.રાજેન્દ્ર સિંહે આવું ભારે ચિંતાજનક નિવેદન કર્યું છે.

રાજસ્થાનની નદીઓને સજીવન કરનારા પ્રો.રાજેન્દ્ર સિંહે ભારે નારાજી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું ૨૦૧૫થી મહારાષ્ટ્ર સરકારની જળાયુક્ત  શિવાર અભિયાન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો હતો.મહારાષ્ટ્ર સરકારનો હેતુ ૨૦૧૯ના અંત સુધીમાં રાજ્યને દુકાળમુક્ત કરવાનો હતો. આ હેતુ માટે રાજ્ય સરકારે નવા ડેમ નહીં બનાવીને નવાં નાનાં-મોટાં જળાશયો બાંધવાનો અને ઝરણાંનું સર્જન કરવાનો નિર્ણય કર્યો હતો.વળી, સિંચાઇયોજનાના અમલ માટે રાજ્ય સરકારે  દસ વરસમાં લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો.આમ છતાં આજે મહારાષ્ટ્રમાં દુકાળની ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકારની યોજના અને તેના અમલ વચ્ચે મોટોઅંતરાય રહ્યો છે.

પ્રો.રાજેન્દ્ર સિંહે ભારે નારાજી વ્યક્ત કરતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જળાયુક્ત શિવાર અભિયાનનો અમલ યોગ્ય અને શિસ્તબદ્ધ રીતે નથી થયો.એટલે કે આ યોજનામાં કોન્ટ્રાક્ટરો આવી ગયા અને તેઓએ સમગ્ર યોજનાના જાણે કે ભાગલા પાડી દીધા.કોન્ટ્રાક્ટરોને રાજ્યની ધરતીને પાણીદાર બનાવવામાં નહીં પણ તેમનાં ગજવાં ભરવામાં જ રસ હોય તે સ્વાભાવિક છે.બીજું,જળાયુક્ત શિવાર યોજનાના અમલમાં સ્થાનિક લોકોનો સહયોગ બહુ ઉપયોગી બને છે.અમે સાંગલી જિલ્લામાં સ્થાનિક લોકોના સહયોગથી મહાકાલી અને અગ્રાણી એમ બે સૂકી બની ગયેલી નદીઓને પાણીથી છલકતી કરી દીધી છે.આવાં ઘણાં ઉદાહરણ છે.

બીજું,મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં શેરડીની ખેતી કરવાની મંજુરી કેમ આપી તે મને સમજાતું નથી.શેરડીના પાકને ભરપૂર પાણી જોઇએ.મારા મતે તો મહારાષ્ટ્ર સરકારે શેરડીનો પાક લેવા પર કડક પ્રતિબંધ મૂકવાની જરૂર હતી.ખેતીવાડી અને પાણી બંને બાબતોમાં સરકારે કડક માર્ગદર્શિકા ઘડવી જોઇએ.મહારાષ્ટ્ર સરકાર સ્યુગર લોબીથી શા માટે ડરે છે ?શેરડીના પાકને અપાતું પાણી ભૂગર્ભમાં જતું નથી એટલે માટીને પોષણ પણ ન મળે.

હકીકત તો એ છે કે કિસાનોએ જળનો વેડફાટ કરવાને બદલે ભૂગર્ભમાં જળ સંચય વધે તેનો પણ વિચાર કરવો જરૂરી છે.પેટાળમાં પાણીનાં તળ વધે તો ખેતી અને ખેડૂત બંને સમૃદ્ધ થાય.દુકાળના દિવસો ન આવે.મારી જાણકારી મુજબ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લોકોએ ૧૦૦૦ ફૂટ ઊંડા બોરવેલ(પાતાળ કૂવા) બનાવ્યા છે.જમીનમાં આટલે ઊંડેથી પાણી ખેંચવામાં આવે તો સમય જતાં પાણીનો દુકાળ જ પડે.

પ્રો.રાજેન્દ્ર સિંહે બહુ ઉપયોગી સૂચન કરતાં કહ્યું હતું કે મરાઠવાડાના ખેડૂતોએ શેરડીને બદલે અડદ,મગ અને પીળી દાળની ખેતી શરૂ કરવી જોઇએ.વિવિધ પાક લેવાના પ્રયોગો કરવા જોઇએ.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HkR6cb
via Latest Gujarati News

Post a Comment

0 Comments