કર્ણાટકમાં ભાજપ સરકાર રચી શકે એવું 'હવામાન' : યેદિયુરપ્પા


(પીટીઆઇ) બેંગલુર, તા.12 મે, 2019, રવિવાર

કર્ણાટક ભાજપ પ્રમુખ બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર રચાય એવો માહોલ છે. આ સાથે રાજ્યની કોંગ્રેસ- જે.ડી. (એસ) મોરચા સરકારના ભાવિ વિષે શંકા ઊભી થઇ રહી છે.

એમણે હુબલીમાં પત્રકારોને કહ્યું કે એમના પક્ષના કાર્યકરો આગામી તા.૧૯મે એ યોજાનારી રાજ્યની ચિંચોલિ અને કુંડગોલ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી એકસંપ થઇને લડી રહ્યા છે. 

કોંગ્રેસની લલચામણી ઓફર છતાં એક પણ જ્ઞાાતિના ભાજપ- નેતાએ પક્ષપલટો કર્યો નથી. અમે બંને બેઠકો ભારે બહુમતીથી જીતીશું, એવો દાવો યેદિયુરપ્પાએ કર્યો છે. એમણે ઉમેર્યું કે કોંગ્રેસ પૈસાના જોરે કંઇક કરવાની પેરવીમાં હોઇ શકે, પરંતુ અમે આ ચૂંટણી પ્રજાના પ્રેમ અને વિશ્વાસના આધારે જીતીશું.

આગામી તા.૨૩મે એ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી કર્ણાટકના લગભગ ૨૦ અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા અપનાવાનારા વલણ પર રાજ્યની કોંગ્રેસ- જે.ડી. (એસ.) સરકારનું ભાવિ નિર્ભર છે, એ મતલબની યેદિયુરપ્પાની ગયા શુક્રવારની નુકતેચીનીના સંદર્ભમાં રાજ્યમાં ભાજપ સરકારની રચના વિષેની એમની ટિપ્પણી મહત્વપૂર્ણ બની રહે છે.

 એમણે કહ્યું કે કર્ણાટકની પેટા ચૂંટણીમાં વિજય સાથે રાજ્ય વિધાનસભામાં ભાજપની સભ્ય સંખ્યા (હાલમાં ૨૨૪ માંથી ૧૦૪, જ્યારે ૨ ટેકેદારોસહ શાસક મોરચાની ૧૧૬) વધશે, પરિણામે રાજ્યમાં ભાજપની તરફેણમાં રાજકીય પરિવર્તન જોવા મળશે, એવી એમણે આશા સેવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HeQZjr
via Latest Gujarati News

Post a Comment

0 Comments