વડાપ્રધાન મોદીએ માત્ર 50 કલાક પણ મહેનત કરી હોત તો આવી નફરતની વાતો કરવી જ ન પડત : પ્રિયંકા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર

રવિવારે દેશના સાત રાજ્યની ૫૯ બેઠકો માટે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું હતું. તે દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે દિલ્હીમાં લોધી એસ્ટેટ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર મત આપવા માટે પહોંચ્યા હતા.

 મતદાન બાદ પ્રિયંકાએ લોકસભા ચૂંટણીમાં સત્તાધીશ ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત હોવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકો ખૂબ રોષમાં છે અને તેઓ દુખી છે માટે મતદાન દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કરીને ભાજપને જરુર હરાવશે.

તેમણે દરેક સ્થળે લોકો પરેશાન હોવાનું જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસ્તવિક મુદ્દાઓને બદલે આડી-અવળી વાતો દ્વારા લોકોનું ધ્યાન ભટકાવે છે તેવો આક્ષેપ કર્યો હતો. 

પ્રિયંકા ગાંધીએ પોતાની લડાઈને લોકશાહી બચાવવા માટેની લડાઈ ગણાવીને તેને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોવાનું જણાવ્યું. તેઓ કોંગ્રેસના વિજય અંગે આશ્વાસ્ત જણાઈ રહ્યા હતા અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં લોકો ભાજપથી પરેશાન હોવાનો દાવો કર્યો હતો.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ખાન માર્કેટ ગેંગ અને લુટિયન્સ દિલ્હી ક્લબના લોકો તેમની છબી બગાડવા માંગે છે પરંતુ તેમની છબી ૪૫ વર્ષની તપસ્યાથી બની છે માટે તેને બગાડી નહીં શકે. તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેમણે જો માત્ર ૫૦ કલાક પણ તપસ્યા કે મહેનત કરી હોત તો તેઓ આમ નફરતથી ભરેલી વાતો ન ફેલાવેત.  

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે તેમની પાર્ટી ભાજપની માફક નકારાત્મક પ્રચાર નથી કરી રહી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે આપેલા વચનો હજુ પૂરા નથી કર્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિનજરુરી મુદ્દાઓ પર બોલે છે જ્યારે તેમની પાર્ટી માત્ર સામાન્ય જનતાને અસર કરતા મુદ્દાઓ જ ઉઠાવે છે તેમ જણાવ્યું.

સાથે જ તેમણે વડાપ્રધાન તેમના ભાઈ રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષના સવાલોનો જવાબ નથી આપતા તે મુદ્દે પ્રહાર કર્યો હતો. પ્રિયંકાએ દર વર્ષે બે કરોડ રોજગારી, ૧૫ લાખ રુપિયા વગેરે સવાલોના જવાબ મોદી નથી આપી રહ્યા તેને લઈને કટાક્ષ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yp0UZC
via Latest Gujarati News

Post a Comment

0 Comments