
(પીટીઆઈ) ત્રિશૂર, તા.12 મે, 2019, રવિવાર
કેરળના સૌથી ઉંચા હાથી 'તેચીકોત્તુકાવુ રામચંદ્રન' પરનો પ્રતિબંધ દૂર કરાયા બાદ રવિવારે રાજ્યના પ્રસિદ્ધ ત્રિશૂર પૂરમ ઉત્સવની શરુઆત કરવામાં આવી હતી અને ૧૦,૦૦૦થી પણ વધારે લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. વિવાદાસ્પદ હાથી રામચંદ્રન પર અગાઉ વડક્કુમનાથન મંદિર ખાતે ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જો કે ત્રણ-ચાર દિવસની ગડમથલ બાદ આખરે તેને ઉત્સવમાં શામેલ કરવા માટે શરતી મંજૂરી અપાઈ હતી. રામચંદ્રન નામના રાજ્યના સૌૈથી ઉંચા ગજરાજે મંદિરની દક્ષિણ દિશામાં આવેલા પ્રવેશ દ્વારને સવારે સાંકેતિક રીતે ધક્કો મારીને ખોલ્યા હતા. તેને ઉત્સવના શુભારંભનું પ્રતિક માનવામાં આવે છે તથા ત્યાં ઉપસ્થિત હજારો લોકોએ પ્રચંડ અવાજે હર્ષનાદ કરીને મંદિરના પરિસરને ગજવી મુક્યું હતું. આ વર્ષે ત્રિશૂર પૂરમ ઉત્સવની તારીખ ૧૩ મે આવી છે.
ભગવાન શિવનું રુપ ગણાતી નૈથિલાક્કાવિલમ્માની દેવપ્રતિમાને ૧૦.૫ ફૂટ ઉંચા રામચંદ્રનની અંબાડી પર રાખીને મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ત્રિશૂરના વાર્ષિકોત્સવ પૂરમની ઔપચારિક શરુઆત થઈ હતી.
જિલ્લા સત્તાધીશોએ રામચંદ્રનને સવારે ૯:૩૦ મિનિટથી માત્ર એક કલાક માટે જ ઉત્સવમાં શામેલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને હાથીથી દૂર રાખવા માટે તેનાથી ૧૦ મીટર દૂર બેરિકેડ્સ બાંધવાની અને હાથી સાથે ચાર મહાવત રાખવાની શરત મુકવામાં આવી હતી.
લાંબી ગડમથલ અને સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ આખરે રામચંદ્રનને ઉજવણીમાં શામેલ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યની સાંસ્કૃતિક રાજધાની ગણાતા ત્રિશૂરમાં પૂરમની ઉજવણીને તમામ તહેવારોની માતા તરીકે માનવામાં આવે છે અને તેના માટે ૩,૫૦૦ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
૫૪ વર્ષીય હાથીની ત્રણ પશુઓના ડોક્ટર દ્વારા તપાસ કરાવ્યા બાદ સરકારે તેને ઉજવણીમાં શામેલ કરવા મંજૂરી આપી હતી અને ત્રિશૂરના કલેક્ટર ટી.વી. અનુપમાને પૂરમની વિલામ્બરમ વિધિમાં ભાગ લેવા માટે હાથી સ્વસ્થ હોવાની લેખિત જાણ કરવામાં આવી હતી.
રામચંદ્રન ૨૦૧૪ની સાલથી પૂરમની શુભારંભ વિધિમાં ભાગ લેતો આવ્યો છે અને રાજ્યમાં તે વિશાળ ચાહક ગણ ધરાવે છે. આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ગુરુવયૂર ખાતે એક ઉજવણીમાં હાથીએ બે લોકોની હત્યા કરી હતી અને ત્યાર બાદ જિલ્લા પ્રશાસને તેના પર કાર્યક્રમમાં શામેલ થવાને લઈ પ્રતિબંધ લાગુ કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HfSLkz
via Latest Gujarati News
0 Comments