
ચીને 2018માં જ રિસાઈકલ ન થઈ શકે એવા પ્લાસ્ટિકની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે
કુઆલા લુમ્પુર, તા. 28 મે, 2019, મંગળવાર
મલેશિયા સરકારે પ્લાસ્ટીકનો કચરો જે-તે દેશને પરત મોકલવાનું નક્કી કર્યું છે. મલેશિયાના પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતુ કે દેશમાં ખોટી રીતે ઘૂસી ગયેલો પ્લાસ્ટીકનો કચરો જ્યાંથી આવ્યો ત્યાં જ મોકલી દેવાશે. આવો કચરો કુલ ૩ હજાર ટન થાય છે અને તેના કન્ટેનર ભરીને પોર્ટ ક્લાંગ ખાતે તૈયાર રખાયા છે. ત્યાંથી તેને અમેરિકા, યુ.કે., જાપાન વગેરે દેશોમાં રવાના કરી દેવાશે.
આ બધી સામગ્રી મલેશિયામાં ગેરકાયદેસર રીતે આવેલી છે. મલેશિયા પોતાના દેશને કચરાપટ્ટી બનવા દેવા માંગતો નથી. માટે આ આકરો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે આગામી દિવસોમાં મલેશિયાનો અન્ય દેશો સાથે સંઘર્ષ પણ થઈ શકે છે.
જે વિકસીત દેશો છે, એ પોતાનો હાનિકારક કચરો હંમેશા વિકાસશીલ દેશોમાં ઠાલવતા હોય છે. ભારતમાં પણ નિયમિત રીતે આવો કચરો આવતો રહે છે, પરંતુ ભારત સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. ચીને ૨૦૧૮થી જે પ્લાસ્ટિક રિ-સાઈકલ ન થઈ શકતું હોય તેની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે.
એટલે વિકસીત દેશોએ ચીનમાં નકારાયેલી સામગ્રી મલેશિયા, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા.. જેવા દેશોમાં ઠાલવવાની શરૂઆત કરી હતી. મલેશિયાએ એકઠા કરેલા કચરામાં બાંગ્લાદેશથી આવેલી સીડી, ઓસ્ટ્રેલિયાથી આવેલા દૂધના બોક્સ, યુ.કે.થી આવેલી કેબલ જેવી સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે. એ સિવાય સાઉદી અરબ, કેનેડા, ચીનથી આવેલી સામગ્રી પણ છે, જે મલેશિયા પરત મોકલશે.
મલેશિયામાં આ કચરો પ્લાસ્ટિકની વિવિધ ચીજો સ્વરૂપે આવ્યો હતો. જ્યારે આયાત થતી હોય ત્યારે આ સામગ્રી નુકસાનકારક નથી એવુ દર્શાવામાં આવ્યું હતુ. એટલે કે ખોટી માહિતી સાથે આયાત કરવામાં આવેલી સામગ્રી છે.
આ પહેલા ફિલિપાઈન્સે કેનેડા સરકારને કચરો પાછો લેવા ધમકી આપી હતી. ફિલિપાઈન્સના પ્રમુખે કહ્યું છે કે જો ટૂંક સમયમાં કેનેડા તેના કચરાના ૬૯ કન્ટેનર પરત નહીં લે તો અમે રાજદૂતને પરત બોલાવી લેવા સહિતના પગલા લઈશું. ફિલિપાઈન્સના આકરા વલણ પછી અન્ય દેશોમાં પણ હિંમત આવી છે. મલેશિયાના પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતુ કે અમારો દેશ નાનો છે તેનો મતલબ એવો નથી કે ગમે તે કચરો અહીં ઠાલવી શકાશે.
યુ.કે.ની એક રિસાઈકલ કંપનીએ એકલા જ બે વર્ષમાં ૫૫,૦૦૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ મલેશિયામાં નિકાસ કર્યો છે. હવે મલેશિયા એ ગરબડ ચલાવી લેવા માંગતુ નથી. માટે આ મુદ્દે વિકસીત દેશો સામે શિંગડા ભરાવવાનું નક્કી કરી લીધું છે. દેશમાં પણ જે ગેરકાયદેસર પ્લાસ્ટિકના કારખાના ચાલતા હતા એવા ૧૫૦ કારખાના મલેશિયા સરકારે બંધ કરાવી દીધા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wvq0IS
via Latest Gujarati News
0 Comments