'અમદાવાદની ગરમી અસહ્ય અને લોકોનું ડ્રાઇવિંગ પાગલપન સમાન'


અમેરિકાની જર્મનટાઉન એકેડમીના સ્ટુડન્ટસ ૧૧ દિવસની ઇન્ટર્નશીપ કરવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, પ્રથમ દિવસે તેઓએ ગાંધીજીના જીવનને નજીકથી જાણવા વિશે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. જર્મનટાઉન એકેડમીના સ્ટુડન્ટસે સ્કૂલમાં ગાંધીજી વિશેનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમના જીવન વિશેની વધારે જાણકારી ગાંધી આશ્રમમાંથી મેળવી હતી. ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન સ્ટુડન્ટસે ચરખો કાંત્યો હતો. ઇન્ટર્નશીપમાં આવેલા સ્ટુડન્ટસે અમદાવાદની અસહ્ય ગરમીનો સામનો કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભારત અને અમેરિકા વચ્ચે તાપમાનમાં આટલો બધો ફરક છે. જોકે કેટલાક સ્ટુડન્ટસને ખબર હતી પરંતુ ગરમી અને તાપનો અનુભવ અસહ્ય રહ્યો હતો. ઇન્ટર્નશિપમાં સ્ટુડન્ટસને એનએમએસ ફાઉન્ડેશન દ્વારા સપોર્ટ કરાયો છે.

પહેલી વખત ચરખો જોયો 

મારા માતા પિતા ભારતીય છે અને મારો જન્મ અમેરિકામાં થયો છે. હું ઘણી વખત અહીંયા આવ્યો છું પરંતુ ગાંધી આશ્રમની મુલાકાત મેં પ્રથમ વખત લીધી. સાથે જ મેં અહીંયા પહેલી વખત ચરખો જોયો છે. લોકોએ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થવું જોઇએ. હવે અમે ગામડાઓનો અભ્યાસ કરવા માટે ગીર વિસ્તારમાં જવાના છીએ. - મિહિર સવાણી

વિશ્વએ ગાંધીજીના જીવનમાંથી શાંતિ અને અહિંસાના પાઠ શીખવા જોઇએ

હું સ્કૂલમાં ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ વિશે ભણ્યો છું, સ્કૂલમાં ગાંધીજીના સાદગીભર્યા જીવન વિશે જાણ્યું હતું. પરંતુ તેઓ સમૃદ્ધ પરિવારથી હતા અને દેશની આઝાદી માટે સાદગીભર્યુ જીવન જીવ્યા હતા, તે ગાંધી આશ્રમે આવીને જાણ્યું હતું. ગાંધીજીના જીવનથી વિશ્વએ શાંતિ અને અહિંસાની વાત શીખવી જોઇએ. સાથે જ અહીંયાની ગરમીથી બચવા અવનવા રસ્તાઓ શોધવા પડે છે. - ડેકોટ બાર્બેટ

અહીંયા ગરમી છે, પરંતુ લોકો કૂલ છે

હું પહેલી વખત ભારત આવી છું, અહીંના લોકોનું ડ્રાઇવિંગ પાગલપન સમાન છે, રસ્તા પર ચાલતી ગાડીઓ જોઇને મારો જીવ તાળવે ચોટી જાય છે. અહીંયા ગરમી છે, પરંતુ લોકો કૂલ છે. ગાંધી આશ્રમની મુલાકાત ખરેખર મારા માટે ઉપદેશક રહી છે. ગાંધીજી વિશે સ્કૂલમાં જાણ્યું હતું, પરંતુ તેમના જીવન વિશે વિગતવાર જાણવાનો મોકો અહીંયાથી મળ્યો છે. - સોફિયા



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hwk0az
via Latest Gujarati News

Post a Comment

0 Comments