કોંગ્રેસ વર્કિગ કમિટીના ૧૮ સભ્યો ચૂંટણી લડયા પણ જીતી શક્યા માત્ર ચાર

 

નવી દિલ્હી, તા. ૨૮

તાજેતરની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી)ના ૧૮ સભ્યોએ ચૂંટણી લડી હતી જે પૈકી ફક્ત ચાર સભ્યો જ ચૂંટણી જીતી શક્યા છે. આ ચાર સભ્યોમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ગૌરવ ગોગોઇ અને એ. ચેલ્લાકુમારનો સમાવેશ થાય છે. 

રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડયા હતાં. જે પૈકી વાયનાડથી તે જીતી ગયા છે પણ અમેઠીથી તેમને હારનો સામનો કરવો પડયો છે. સોનિયા ગાંધી રાયબરેલીથી જીતી ગયા છે. 

ગૌરવ ગોગોઇ આસામના કલિયાબોરથી જીત્યા છે જ્યાર એ. ચેલ્લાકુમાર તમિલનાડુના કૃષ્ણાગિરિથી વિજયી રહ્યાં છે. ભૂતકાળમાં આ બંને રાજ્યોમાં કોંગ્રેસ ખૂબ જ મજબૂત હતી પણ હવે ત્યાં કોંગ્રેસ નબળી પડી ગઇ છે. 

સીડબ્લ્યુસીમાં કુલ ૫૫ સભ્યો છે. આ કમિટી કુલ ચાર ભાગમાં વિભાજિત છે. જેમાં અધ્યક્ષ(૧), સભ્ય(૨૫), સ્થાયી આમંત્રિત સભ્ય(૧૯) અને વિશેષ આમંત્રિત સભ્ય(૧૦)નો સમાવેશ થાય છે. 

હાલમાં અધ્યક્ષ રાહુલ ગાંધી છે અને તેમના રાજીનામા અંગે સસ્પેન્સ યથાવત છે. તેમણે રાજીનામું આપી દીધું છે પણ સીડબ્લ્યુસીએ આ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 

સીબીડબ્લ્યુસીની સભ્ય કેટેગરીમાં ૨૫ સભ્યો છે. જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ, અહેમદ પટેલ, અંબિકા સોની, ગુલામનબી આઝાદ, મોતીલાલ વોરા, જ્યોતિરાદિત્ય સિંધિયા, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોેત, કે. સી. વેણુગોપાલ જેવા નેતાઓ સામેલ છે.

સીડબ્લ્યુસીના સ્થાયી આમંત્રિત સભ્યોમાં શીલા દિક્ષીત, પી. ચિદમ્બરમ, પી સી ચાકો, આરપીએન સિંહ, પી એલ પુનિયા, રણદીપ સૂરજેવાલા, રાજીવ સાતવ, ગૌૈરવ ગોગોઇ, એ. ચેલ્લાકુમાર અને મીરાકુમાર જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

સીબીડબ્લ્યુસીના વિશેષ આમંત્રિત સભ્યોમાં એચ. મુનિયપ્પા, દીપેન્દ્ર હુડા, જિતિન પ્રસાદ અને સુષ્મિતા દેવ જેવા નેતાઓ સામેલ છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WvvtiS
via Latest Gujarati News

Post a Comment

0 Comments