ભારતની ''ઓલટાઇમ ગ્રેટ'' વર્લ્ડ કપ ઈલેવન

વર્લ્ડકપમાં ૧૯૭૫થી ૨૦૧૫ના દેખાવને નજરમાં રાખીને રમતજગત વિશ્લેષક અરનાબ સેને જે ભારતની ઓલટાઇમ ગ્રેટ ઈલેવન આપી છે તે નિશ્ચિતપણે સમતોલ અને નિર્વિવાદ લાગે છે.


તેંડુલકર: ૨૨૭૮ રન, ૫૬.૯૫ રનની સરેરાશ, ૬ સદી અને ૧૫ અડધી સદી માત્ર ભારતની જ નહીં વિશ્વની ઓલટાઇમ ગ્રેટ વન-ડે કે ટેસ્ટ ઇલેવન બનાવવી હોય તો તેંડુલકરનું નામ સૌથી પહેલા મુકીને ક્રિકેટનું ગૌરવ વધારવું પડે.

વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર તેંડુલકર ૧૯૯૬ અને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં તમામ ટીમોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. ભારત ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત્યુ હતું તેમાં પણ સૌથી વધુ રન ભારત તરફથી તેંડુલકરે બનાવ્યા હતા. તેંડુલકર વર્લ્ડકપમાં બોલર તરીકે પણ તેનો કસબ બતાવી ચૂક્યો છે.


સૌરવ ગાંગુલી: ૧૦૦૬ રન, ૫૫.૮૮ રનની સરેરાશ, ૪ સદી અને ત્રણ અડધી સદી.

ભારતે ગાંગુલીની કેપ્ટન્સી હેઠળ ૨૦૦૩માં વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચવામાં સફળતા મેળવી હતી. વન-ડે ટીમના ઓપનર તરીકે નિર્વિવાદ તેને જ સ્થાન મળી શકે.

૧૯૯૯માં તેની પ્રથમ વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ તેણે સાઉથ આફ્રિકા સામે ૯૭ રનની ઇનિંગ રમી હતી. તે જ વર્લ્ડકપમાં ટોન્ટન ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડમાં તેણે શ્રીલંકા સામે ૧૮૩ રનની એપિક ઇનિંગ રમી હતી.

ઇંગ્લેન્ડ સામે તેણે તેની બોલિંગની ક્ષમતા બતાવી વિજયી દેખાવ કર્યો હતો. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ગંગુલીએ કેન્યા સામે સેમિફાઈનલમાં સદી ફટકારી ભારતને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રવેશ અપાવ્યો હતો. ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ ખરાબ રહ્યો હતો. પણ ગાંગુલી સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર હતો.


રાહુલ દ્રવિડ:  ૮૬૦ રન, ૬૧.૪૨ રનની સરેરાશ,  બે સદી, છ અડધી સદી

દ્રવિડને ટીમમાં ત્રીજા ક્રમે સ્થાન મળ્યુ તેનો અર્થ એમ કે કોહલી કરતા દ્રવિડ પર પસંદગી ઉતારાઈ છે. ટીમની સ્થિતિને બિલ્ટઅપ કરવામાં અને વિકેટ કિપિંગની તેની ક્ષમતા-ઉપયોગી તેની મહાનતાને મજબૂત બનાવે છે. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં દ્રવિડ ભારતનો હાઈએસ્ટ સ્કોરર હતો. ૨૦૦૩માં પણ તેનું યોગદાન વિજયી રહ્યું હતું. ગાંગુલી જોડે દ્રવિડે શ્રીલંકા સામે ૩૫૦ પ્લસ રનની ભાગીદારી ૧૯૯૯માં રમી હતી જેમાં તેનું શતક હતું.


મોહિન્દર અમરનાથ: ૫૪ રન, ૨૧.૧૬ - સરેરાશ,૧૬ વિકેટ.

મોહિન્દર અમરનાથના ઉપરોક્ત રેકોર્ડ પરથી કદાચ એવું ના લાગે કે તેને આ ટીમમાં સ્થાન મળે પણ ૧૯૮૩ વર્લ્ડકપમાં સેમિ ફાઈનલ અને ફાઈનલમાં તેનું યોગદાન કાયમ યાદ રખાશે. બંનેમાં તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. અમરનાથ ઓલરાઉન્ડર તરીકે કેટલો ઉપયોગી હતો તે કેપ્ટન કપિલ દેવથી વિશેષ કોઈ કહી ના શકે.


અઝહરૂદ્દીન: ૮૨૬ રન, ૩૯.૩૩ રનની એવરેજ, આઠ અડધી સદી.
ભારતની ત્રણ વર્લ્ડ કપમાં તેણે કેપ્ટન્સી કરી હતી. ૧૯૯૬માં તેની કેપ્ટન્સીમાં ભારત સેમી ફાઈનલમાં પહોંચ્યું હતું. અઝહર કેપ્ટન ઉપરાંત મિડલ ઓર્ડરમાં રન રેટનું દબાણ ના વધે તેમ સ્ટ્રાઇક રેટ ફરતું પણ રાખી શકે અને જરૃર પડયે આક્રમક બેટિંગ પણ કરી શકતો. તે તેના સમયનો શ્રેષ્ઠ ફિલ્ડર પણ હતો. ૧૯૮૭માં તે તેની પ્રથમ વર્લ્ડ કપ રમ્યો તેમાં પણ તેનો દેખાવ પ્રભાવશાળી હતો. ભારત ૧૯૮૭માં વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યું હતું.


યુવરાજ સિંઘ: ૭૩૮ રન, ૫૨.૭૧ની એવરેજ, ૨૦ વિકેટ.

ડાબોડી યુવરાજ સ્પિનર ઓલ રાઉન્ડર છે અને ૨૦૧૧માં ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે મેન ઓફ ધ સીરીઝ યુવરાજ રહ્યો હતો. ૨૦૦૩માં પણ તેણે ભારતને ફાઇનલ સુધી પહોંચાડતો જોરદાર દેખાવ કર્યો હતો. તેનું ટીમમાં હોવું એટલે હરિફ ટીમોને હાથમાંથી બાજુ આંચકી લેશે તેવો ભય રહેતો.


ધોની: ૫૦૭ રન, ૪૨.૨૫ની સરેરાશ, ત્રણ અડધી સદી
માત્ર વિકેટ કિપર અને ક્રિકેટિંગ બ્રેઇન તરીકે પણ ટીમમાં સ્થાન પામી શકે. આ ઈલેવનમાં વર્તમાન ટીમાંથી પણ રમતો હોય તેવો તે એકમાત્ર ખેલાડી છે. ૧૯૮૩ પછી ૨૮ વર્ષે તેની કેપ્ટન ઈનિંગ અને ફાઇનલમાં શ્રીલંકા સામેના નૉકને લીધે ભારત ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ૨૦૧૫માં ભારત સેમિ ફાઇનલમાં પ્રવેશ્યું તેમાં પણ તેનું ઉલ્લેખનીય યોગદાન હતું. તે ક્રિકેટ ઈતિહાસનો ઓસ્ટ્રેલિયાના બેવન પ્રકારનો 'ફિનિશર' મનાય છે.


કપિલ દેવ: ૬૬૯ રન, ૩૭.૧૬  સરેરાશ, ૨૮ વિકેટ

ભારતીય ક્રિકેટમાં પરિવર્તન લાવનાર ઓલરાઉન્ડર કહી શકાય. ચાર વર્લ્ડ કપ રમ્યો. ભારતને ૧૯૮૩માં તેની કેપ્ટન્સી અને દેખાવ થકી સૌપ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો. તેમાં પણ ઝિમ્બાબ્વે સામે ભારતની નિશ્ચિત હાર મનાતી હતી ત્યારે ૧૭ રનમાં પાંચ વિકેટના સ્કોરથી બેટિંગમાં આવીને ૧૭૫ રન ફટકારેલા તે ક્રિકેટ ઈતિહાસની વિપરીત સંજોગોમાં રમાયેલ શ્રેષ્ઠ ઈનિંગ મનાય છે. 


શ્રીનાથ: ૪૪ વિકેટ, ૨૭.૮૧ રનની સરેરાશથી.

થાક્યા વગર અવિરત શ્રમ કરનાર બોલર તરીકે શ્રીનાથે પ્રદાન આપ્યું છે. તે ચાર વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે. ચારમાંથી ત્રણ વર્લ્ડ કપ ૧૯૯૬, ૧૯૯૯માં ભારત સેમિફાઇનલમાં અને ૨૦૦૩માં ભારત ફાઇનલમાં પ્રવેશ્યું હતું. શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદની જોડીએ પાકિસ્તાન સહિતના દેશો સામે  તનાવભર્યા મુકાબલામાં ભારતને આગળ રાખ્યું હતું.


અનિલ કુમ્બલે: ૩૧ વિકેટ ૨૨.૮૩ની સરેરાશથી.

એક જ સ્પિનરની આ ટીમમાં જગા હોઇ કુમ્બલે સીવાય બીજા કોઇનું નામ વિચારી જ ન શકાય. વર્લ્ડ કપમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. તેણે ટોપ બેટ્સમેનોની કે જામી ગયેલી ભાગીદારી તોડતી બોલિંગ નાંખી હતી.


ઝહીર ખાન: ૪૪ વિકેટ, ૨૦.૨૨ રનની સરેરાશથી.

શ્રીનાથ અને ઝહિરખાન બંનેએ વર્લ્ડ કપમાં ૪૪-૪૪ વિકેટ ઝડપી છે. જોકે તેણે શ્રીનાથ કરતા ઘણી ઓછી મેચો રમી છે. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ૨૦૦૩માં તે તેની પ્રથમ વર્લ્ડ કપ રમ્યો હતો.


વિરાટ કોહલી: ૫૮૭ રન, ૪૧.૯૨ રનની સરેરાશ,  બે સદી અને  એક અડધી સદી

જરા અજુગતુ લાગે પણ વર્તમાન ક્રિકેટનો શ્રેષ્ઠ બેટ્સમેન ભારતની ઓલટાઇમ ગ્રેટ ઇલેવનમાં સ્થાન નથી મેળવી શક્યો. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં તેણે બાંગ્લાદેશ સામે અને ૨૦૧૫માં પાકિસ્તાન સામે તેણે સદી ફટકારી હતી પણ તે સિવાય તેણે એક જ અડધી સદી ફટકારી નિરાશ કર્યા હતા. એવું મનાય છે કે ૨૦૧૯માં તે જોરદાર દેખાવ કરશે અને ભારતને વર્લ્ડ કપ પણ જીતાડશે. જો એમ થશે તો ૨૦૧૯ પછીની આવી ટીમમાં તે દ્રવિડનું સ્થાન વન ડાઉન બેટ્સમેન તરીકેનું લઇ શકે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WmtxJD
via Latest Gujarati News

Post a Comment

0 Comments