
સપા-બસપા સત્તામાં હતા ત્યારે ઉત્તર પ્રદેશને બરબાદ કરી નાખ્યું હતું : મોદીનો આરોપ
નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ સાથે પોતાની જાતી અંગે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દેશના ગરીબોની જાતી મારી જાતી છે.
આ ઉપરાંત મોદીએ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને લઇને પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા કહે છે કે રમખાણો થયા તો થયા તેમાં શુ થઇ ગયું. મોદીએ સાથે સપા અને બસપાના ગઠબંધન અંગે પણ ટોણો માર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે માયાવતી કહી રહ્યા છે કે મોદી બનાવટી કે ફેક ઓબીસી નેતા છે. મોદીએ બાદમાં પોતાની જાતી અંગે વાત કરતા કહ્યું હતું કે આ દેશના ગરીબોની જાતી એ મારી જાતી છે.
મોદીએ દાવો કર્યો હતો કે સપા અને બસપાએ ઉત્તર પ્રદેશને બરબાદ કરી દીધુ છે. અને હવે સત્તા મેળવવા માટે હવાતીયા મારી રહ્યા છે. સાથે દાવો કર્યો હતો કે જ્યારે કેન્દ્રમાં સમાજવાદી પાર્ટી સહીતના સમર્થનથી સરકાર બની હતી ત્યારે દેશની એજન્સીઓનો નાશ વાળવામાં આવ્યો હતો. જ્યારે પણ કેન્દ્રમાં મહામિલાવટની સરકાર બની છે ત્યારે દેશની સુરક્ષા સાથે ખીલવાડ કરવામાં આવ્યો છે. મોદીએ સાથે રાજસ્થાનના અલવર રેપ કાંડની ઘટનાને ટાંકીને રાજ્ય સરકારને ઘેરી હતી.
મોદીએ જણાવ્યું હતુ કે રાજસ્થાન સરકાર પોતાના રાજકીય લાભ માટે દલિત યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાને દબાવવા માગે છે. સમગ્ર મામલે અલવરમાં વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક દલિત મહિલા પર ગેંગરેપ થયો હતો અને આ ઘટનાની જાણ કર્યાના સાત દિવસ બાદ પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ આ દેશની યુવતીઓને ન્યાય ન અપાવી શકે. મોદીએ કોંગ્રેસની ન્યાય યોજનાને ટાંકીને આ ટોણો માર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YnEiIK
via Latest Gujarati News
0 Comments