
આતંકીઓ 2017માં કેરળ અને અન્ય રાજ્યમાં ગયા હોવાનું ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ અગાઉ જાહેર કરેલું
ભારતની ગુપ્તચર એજન્સીના રિપોર્ટના આધારે સાઉદીએ ઇસ્ટર સન્ડેનાં હુમલામા સામેલ બેની ધરપકડ કરી
નવી દિલ્હી, તા. 4 મે, 2019, શનિવાર
શ્રીલંકામાં થયેલા આઠ સિરિયલ બ્લાસ્ટે ૨૫૦થી વધુનો જીવ લીધો હતો, આ હુમલાને લઇને હવે અનેક નવા ખુલાસા થઇ રહ્યા છે. ૧૦૦થી વધુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્યોની શોધખોળ જારી છે ત્યારે શ્રીલંકાની ગુપ્તચર સંસ્થાઓ અને સૈન્ય દ્વારા જારી માહિતી અનુસાર શ્રીલંકાના આ ઇસ્ટર બ્લાસ્ટમાં જે આતંકીઓ સામેલ હતા તેઓ ભારત આવ્યા હતા, તેમાંથી કેટલાકે કાશ્મીર અને કેરળમા આતંકી હુમલાની તાલીમ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.
અગાઉ ભારતીય એજન્સીઓએ પણ કેરળમાં તપાસ કરી હતી અને શ્રીલંકાના વિસ્ફોટમાં સામેલ બે આતંકીઓ ૨૦૧૭માં બે વખત ભારત આવ્યા હતા તેની માહિતી આપી હતી.
જોકે પહેલી વખત હવે શ્રીલંકાની એજન્સીઓ અને સૈન્યએ પણ કહ્યું છે કે શ્રીલંકામાં હુમલા માટે જવાબદાર આતંકીઓ ભારતમાં કાશ્મીર અને કેરળમાં અન્ય આતંકીઓના સંપર્કમાં હતા, જ્યાં તેઓએ કેટલીક તાલીમ પણ લીધી હતી જેનો ઉપયોગ તેઓએ આ ઇસ્ટર સન્ડે વિસ્ફોટ માટે કર્યો હતો. શ્રીલંકન સૈન્યના લેફ્ટનન્ટ જનરલ મહેશ સેનનયાકે જણાવ્યું હતું કે શ્રીલંકાના હુમલામાં સામેલ આતંકીઓની આંતરરાષ્ટ્રીય લિંક પણ મળી આવી છે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે આ માહિતી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ આતંકીઓ ભારત ગયા હતા જ્યાં તેમણે કાશ્મીરમાં કેરળમાં, બેંગાલુરુમાં પણ જઇને તાલિમ પણ લીધી હતી. બીજી તરફ ભારતીય ગુપ્તચર સંસ્થાના રિપોર્ટના આધારે ઇસ્ટર સન્ડે વિસ્ફોટમાં સામેલ બે શંકાસ્પદ આતંકીઓની સાઉદી અરેબિયાએ ધરપકડ કરી છે જેમના નામ મૌલાના રીલા અને શીહનવાઝ છે.
જ્યારે બીજી તરફ શ્રીલંકાના સૈન્ય વડાને પૂછવામાં આવ્યું કે આ આતંકીઓનો કાશ્મીર જવાનો હેતુ શું હતો તો તેમણે જણાવ્યું હતું કે પુરી માહિતી નથી પણ જેટલી માહિતી મળી છે તે મૂજબ આ આતંકીઓ અન્ય આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોનો સહકાર લેવા અને તાલિમ લેવા માટે ગયા હતા.
ભારતીય સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓએ પણ શ્રીલંકાને આ આતંકીઓની ચહલપહલની જાણકારી આપી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શ્રીલંકાને જ કેમ નિશાન બનાવવામા આવ્યું તો શ્રીલંકાના સૈન્ય વડાએ જણાવ્યું હતું કે અહીં બહુ જ શાંતિ હતી, અહીં આઝાદી હતી જે આતંકીઓથી જોવાતી નહોતી.
શ્રીલંકામાં મદરેસાને સરકારે કબજામાં લીધા, સંસ્કૃતિ મંત્રાલય દેખરેખ રાખશે
શ્રીલંકામાં હવે મુસ્લિમ બાળકો માટેના મદરેસાને સરકાર પોતાની હસ્તક લઇ લેશે અને સરકારના ધાર્મિક અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેની કામગીરી સંભાળવામાં આવશે. ઇસ્ટર સન્ડે વિસ્ફોટ બાદ આ પહેલા બુરખા સહીતના ચેહરો ઢાંકવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. હવે ત્યારે હવે મદરેસાને લઇને પણ મહત્વપૂર્ણ પગલુ લીધુ છે અને દેશના દરેક મદરેસાને સંસ્કૃતિ અને ધર્મ મંત્રાલય હેઠળ સામેલ કરી લીધા છે. શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું હતું કે મદરેસામાં કોઇ પણ ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે. શ્રીલંકામાં અન્ય દેશોમાંથી આવતા ધર્મગુરુઓ અને પ્રચારકો પર પણ નજર રાખવામાં આવશે.
શ્રીલંકામાં મસ્જિદના મેદાનમાં દાટેલી વિસ્ફોટક સામગ્રી, સિમકાર્ડ મળ્યા
શ્રીલંકામાં હવે મસ્જિદોના મેદાનમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પરીણામે અહીંની એક મસ્જિદના મેદાનમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. શ્રીલંકાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસ બન્ને દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ટીમને વેલીપેનામાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટ, ૧૬ સર્કિટ બોર્ડ, ૧૬ સિમકાર્ડ, કોમ્પ્યુટરની સામગ્રી, આ વસ્તુઓની સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે જેની વધુમાં પૂછપરછ ચાલી રહી છે. આ પહેલા પાઇપ બોમ્બ મળી આવ્યા હતા, અગાઉ સરકારે દાવો કર્યો હતો કે ઇસ્ટર સન્ડે વિસ્ફોટ ન્યૂઝિલેન્ડના મસ્જિદ બ્લાસ્ટનો બદલો લેવા માટે કરાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DOLNki
via Latest Gujarati News
0 Comments