આંધ્રના મુખ્યમંત્રી પદે જગન મોહન રેડ્ડીના શપથ : કાર્યક્રમમાં ચંદ્રાબાબુ ન આવ્યા


(પીટીઆઈ) અમરાવતી, તા. 30 મે, 2019, ગુરૂવાર

વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ગુરુવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ચૂંટણી પહેલા તેમની પાર્ટીએ લોકોને 'નવરત્નાલુ', નવ વચનો આપ્યા હતા. રાજ્યની સત્તાનું સુકાન હાથમાં લીધાના પહેલા જ દિવસે તેમણે નવ પૈકીના એક વચનને પૂરું કર્યું હતું અને ગરીબ વૃદ્ધોને મળતા પેન્શનમાં વધારો કરવાનો આદેશ આપ્યો હતો. 

૪૬ વર્ષીય રેડ્ડીએ રાજ્યપાલ ઈ.એસ.એલ. નરસિમ્હનના હસ્તે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. વિજયવાડામાં આઈજીએમસી સ્ટેડિયમ ખાતે યોજાયેલી શપથ વિધિમાં મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જગન મોહને બપોરે ૧૨:૨૩ કલાકે તેલુગુ ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા. 

લોકસભા ચૂંટણીની સાથે જ યોજાયેલી આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની ૧૭૫ પૈકીની ૧૫૧ વિધાનસભા પર વિજય મેળવ્યો હતો જ્યારે લોકસભાની ૨૫માંથી ૨૨ બેઠકો પર તેમણે પોતાના ઝંડા લહેરાવ્યા હતા. આગામી સાત જૂનના રોજ તેમના મંત્રીઓની શપથ વિધિ યોજવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

શપથ ગ્રહણ બાદ રેડ્ડીએ ખૂબ જ લાગણીશીલ થઈને વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે વિવિધ કલ્યાકારી યોજનાઓ અંતર્ગતના સરકારી લાભ કોઈ પણ જાતના ભેદભાવ વગર ગ્રામીણ સ્વયંસેવકોની મદદથી લાભાર્થીઓના બારણા સુધી પહોંચાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી. શપથ ગ્રહણ બાદ તરત જ તેમણે ગરીબ વૃદ્ધોને મળતા માસિક પેન્શનને ૧,૦૦૦થી વધારીને ૩,૦૦૦ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EJoY22
via Latest Gujarati News

Post a Comment

0 Comments