
એક સપ્તાહમાં પાકિસ્તાન દ્વારા ચાર વખત ગોળીબારમાં જવાન અને સગીર સહીત બે ગંભીર રીતે ઘવાયા
નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
એક તરફ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાંતિની વાતો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ પાક. સૈન્ય સરહદે તોપમારો કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી શાંતિની વાતો કરી હતી ત્યારે હવે એવા અહેવાલો છે કે રાજોરીમાં પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવ્યો છે. અહીંના ગ્રામીણ વિસ્તારો તેમજ સૈન્યની પોસ્ટને નિશાન બનાવીને મોટા પ્રમાણમાં મોર્ટારમારો કરવામાં આવ્યો હતો.
સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય પણ પાકિસ્તાનના ગોળીબારનો આક્રામક રીતે જવાબ આપી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાન સૈન્ય દ્વારા પૂંચમાં પણ મોટા પ્રમાણમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
બાલાકોટ એરસ્ટ્રાઇક થઇ તે બાદ પાકિસ્તાન બદલો લેવાની ભાવનાથી સતત સરહદે ગોળીબાર કરી રહ્યું છે. રવિવારે પાકિસ્તાન સૈન્ય દ્વારા થયેલા ગોળીબારમાં એક સગીર વયનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો જેની હજુ પણ સારવાર ચાલી રહી છે.
જ્યારે ૧૯મી મેએ પાકિસ્તાન સૈન્ય દ્વારા થયેલા ગોળીબાર એએસઆઇ સત્યપાલસિંહ ગંભીર રીતે ઘવાયા હતા. હાલ પાકિસ્તાન પૂંચ અને રાજોરી બન્નેને વધુ નિશાન બનાવીને ગોળીબાર કરી રહ્યું છે.
બીજી તરફ અનંતનાગમાં સૈન્યને મોટી સફળતા મળી છે, અહીં ઓપરેશનમાં સૈન્યને બે આતંકીઓને ઠાર માર્યા છે. કાશ્મીરના અનંતનાગના કાચવાન જંગલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સૈન્યએ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બન્નેને ઠાર મારવામાં આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WrUcoq
via Latest Gujarati News
0 Comments