બેંગાલુરૂ, તા.10 મે 2019, શુક્રવાર
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સિનિયર નેતા બીએસ યેદિયૂરપ્પાના નિવેદનથી કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. યેદિયૂરપ્પાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો ગઠબંધનની સરકારથી નાખુશ છે માટે 20થી વધારે ધારાસભ્યો ગમે તે ક્ષણે મોટો નિર્ણય લઇ શકે છે.
જાન્યુઆરીમાં પણ ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા માટે આમને-સામને આવી ગયા હતા અને પોતાના ધારાસભ્યોને બચાવવા ભાજપે પોતાના ધારાસભ્યોને દિલ્હી નજીક ગુરુગ્રામ રીસોર્ટમાં છુપાવ્યા હતા અને કોંગ્રેસે તેના ધારાસભ્યોને મુંબઈની એક હોટેલમાં સુરક્ષીત રાખ્યા હતા.
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અગાઉ પણ યેદિયૂરપ્પા પર સરકાર પાડી દેવાના આરોપ લગાવી ચુક્યાં છે. ઉપરાંત ભાજપ પર પોતાના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 224 સભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પાસે 116 બેઠક છે જ્યારે બીજેપી પાસે 104 બેઠક છે. આ ઉપરાંત અપક્ષના બે અને બીએસપીના એક ધારાસભ્યએ પણ ગઠબંધન સરકારને ટેકો આપ્યો હતો. જેના કારણે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ ગઇ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LJnYAy
via Latest Gujarati News
0 Comments