લોકોને ભોજનના સ્વાદની સાથે હેરિટેજની લિજ્જત પીરસું છું...


કલકત્તાના સુક્રિત સેન અમદાવાદ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે, હેરિટેજ સાથે જોડાયેલા હોવાથી હેરિટેજ વિશેની અવનવી જાણકારી લોકો સુધી પહોચાડવી તેમને વધારે પસંદ છે. તેથી સુક્રિત સેને જૂના શહેરમાં રજાના દિવસે હેરિટેજ ફૂડ વૉકનું આયોજન કરવાની શરૃઆત કરી હતી. લોકોને શહેરના હેરિટેજ ફૂડની માહિતી મળી રહે તે માટે સુક્રિત સેને ફૂડ શોપના માલિકોને મળીને માહિતી એકત્રિત કરી હતી. શરૃઆતમાં તેમની ફૂડ વૉકમાં ૧૦થી ૧૫ લોકો જોડાતા હતા અને જૂના શહેરમાં આવેલી હેરિટેજ કેટેગરીની ખાદ્ય સામગ્રીની વિવિધતા વિશે માહિતી મેળવતા હતા પરંતુ સુક્રિત દ્વારા કરવામાં આવેલી તાજેતરની ફૂડ વૉકમાં ૬૪ લોકો જોડાયા હતા. 

ઓલ્ડ સિટીમાં ફૂડની માહિતી મેળવવા ૩ કલાકની વૉક નિર્માણ કરી

જ્યારે મેં સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટમાં અભ્યાસની શરૃઆત કરી, ત્યારથી મને હેરિટેજ વિશે કામ કરવાની ઇચ્છા હતી. તેથી મેં હેરિટેજ ફૂડ વૉકની શરૃઆત કરી છે. જેના માટે સૌપ્રથમ મારે પણ માહિતી એકત્રિત કરવાની હોવાથી જૂના શહેરમાં આવેલી વર્ષો જૂની ખાદ્ય સામગ્રીની દુકાનોના માલિકોને મળી માહિતી એકત્રિત કરીને ૩ કલાકની ફૂડ વૉકનું નિર્માણ કર્યું. અત્યારે મારી ફૂડ વૉકમાં સરેરાશ ૨૫ લોકો જોડાય છે. - સુક્રિત સેન

ફૂડ વૉકમાં ફૂડીઝ અને હેરિટેજ માટે ઉત્સુક લોકો જોડાય છે

સુક્રિત સેન દ્વારા રજાના દિવસે કરવામાં આવતી હેરિટેજ ફૂડ વૉકમાં ભાગ લેતા લોકોમાં હેરિટેજ સ્થાપત્યો પ્રત્યે લાગણી ધરવતા લોકો અને ફૂડીઝ વધારે ભાગ લેતા હોય છે. ફૂડ વૉકમાં જોડાતા લોકો ખાદ્ય સામગ્રીનો સ્વાદ પણ માણતા હોય છે, પરંતુ ફૂડ વૉકમાં લોકો ગુ્રપમાં હોવાથી એક વ્યક્તિ દીઠ વધારેમાં વધારે ૧૫૦ રૃપિયા જેટલો જ ખર્ચ આવે છે.

લોકો સ્વાદ સાથે ઇતિહાસની મજા માણે છે

ફૂડ વૉકમાં પોળ  વિસ્તારના ૧૫થી વધારે જાણીતા સ્થળોને આવરી લેવામાં આવે છે, જેમાં ભજીયા, ખમણ, મીઠાઇ, પીણાં અને ચ્હા જેવી સામગ્રીના સ્વાદ સાથે જોડાયેલો ઇતિહાસ જાણવા મળે છે. મોટાભાગના ફૂડ સ્ટોલના માલિકો છેલ્લી બે સદીથી લોકોને અકબંધ સ્વાદ સાથે સેવા આપે છે. આ ફૂડ વૉકમાં પાર્ટીસિપન્ટે ખાદ્ય સામગ્રીનો ખર્ચ પોતાને ઉઠાવવાનો રહે છે.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JmPF0l
via Latest Gujarati News

Post a Comment

0 Comments