
નવી દિલ્હી, 11 મે 2019, શનિવાર
એક રીપોર્ટ અનુસાર હૃદયના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળે ત્યાર પછીથી તેમની સંભાળનો અભાવ તેમના માટે જોખમી છે. હૃદય રોગના દર્દીઓને ખાસ સંભાળની જરૂર હોય છે. જો તેમની સંભાળ લેવામાં ન આવે તો તેમનું મોત થઈ શકે છે.
રીપોર્ટ અનુસાર ભારતમાં હાર્ટ ફેલિયરના 31 ટકા દર્દીઓનું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 1 જ વર્ષમાં મોત થયું. યોગ્ય સંભાળના અભાવના કારણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાના પહેલા ત્રણ મહિનામાં જ હાર્ટ ફેલિયરના કારણે 45 ટકા દર્દીઓનું મોત થયું. ઉલ્લેખનીય છે કે ભારતમાં હૃદયની બીમારી એક મહામરી સમાન બની છે અને દેશમાં અંદાજે 80 લાખથી 1 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત છે.
પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં મધ્યમ વર્ગના લોકો આ બીમારીનો વધારે શિકાર થાય છે. તેનું કારણ છે કે જનજાગૃકતાનો અભાવ અને બીમારીના લક્ષણોને ઓળખવામાં થતું મોડું છે. ભારતમાં જનજાગૃતિનો અભાવ હોવાથી હાર્ટ ફેલિયરના કિસ્સા વધે છે. ડોક્ટરના જણાવ્યાનુસાર પરીવારમાં હૃદય રોગનો આનુવાંશિક ઈતિહાસ, દારુનું સેવન, ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સ્થિતી હાર્ટ ફેલિયરનું કારણ બને છે. ચિંતાની વાત એ છે કે 50 વર્ષથી વધારે ઉંમરના લોકો જ આ લક્ષણોને ઓળખી અને નિષ્ણાંતનો સંપર્ક કરે છે.
હાર્ટની બીમારીના મુખ્ય લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ, પગમાં સોજા, કામ કરતી વખતે થાક લાગવો છે. હૃદય રોગના દર્દીઓની ઉંમર 50 કરતાં વધારે હોય છે અને તેમાં 40 ટકા મહિલાઓ હોય છે. આ બીમારી થવા પાછળનું કારણ અનિયમિત જીવનશૈલી પણ છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JuCpWu
via Latest Gujarati News
0 Comments