
(પીટીઆઇ) લંડન, તા. 3 મે, 2019, શુક્રવાર
બ્રિટનની પોલીસે જેને રોમાન્સ ફ્રોડસ્ટર (પ્રેમજાળમાં મહિલાઓને ફસાવનાર) ગણાવ્યો હતો તે ગુજરાતી મૂળના એક યુવાનને છ મહિલાઓ સાથે ઓનલાઇન મિત્રતા કેળવી તેમને ફસાવી માત્ર કાગળ પર જ અસ્તીત્વ ધરાવતી કંપનીમાં નાણા રોકવા લલચાવવા બદલ છ વર્ષ અને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ઇસ્ટ લંડનના કેયુર વ્યાસની છેતરપીંડી ભરી પ્રવૃત્તિઓની સ્કોટલેન્ડ યાર્ડે ચાર વર્ષ સુધી તપાસ કર્યા પછી કિંગ્સટન ક્રાઉન કોર્ટે બુધવારે સજા સંભળાવી હતી.
નોકરી માટે ભરતી કરવાનું કામ કરનાર એજન્ટ મહિલાઓને ઓનલાઇન મિત્ર બનાવી તેમની સાથે ડિનર અને શરાબની મેહફિલ માણતો હતો.મેટ્રોપોલીટન પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે એણે છ અલગ અલગ મહિલાઓને છેતરી હતી.
છેતરપીંડી દ્વારા એણે લગભગ આઠ લાખ પાઉન્ડ ભેગા કર્યા હોવાનું મનાય છે.'વ્યાસ મહિલાઓનો વિશ્વાસ મેળવી તેમને માત્ર કાગળ પરની કંપનીઓમાં પૈસાનું રોકાણ કરવા લલચાવતો હતો'એમ મેટ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું.
'એ બનાવટી કરાર લખાવતો જેની શરતો પણ વિચિત્ર હતી. પરંતુ એનું મૂળ મંત્ર સબંધનો ફાયદો ઉઠાવીને પૈસા ભેગા કરવાનો હતો. વ્યાસ ખૂબ જ સ્વાર્થી અને ક્રૂર છે. તે ભોગ બનેલી મહિલાઓની લાગણી સાથે રમતો અને તેમને લલચાવતો હતો'એમ અધિકારીએ કહ્યું હતું. ઓકટોબર ૨૦૧૪માં મેટ પોલીસે વ્યાસની પ્રવૃત્તિઓની તપાસ શરૃ કરી હતી.
તેમને જાણવા મળ્યું હતું કે ૨૦૧૪ અને ૨૦૧૭ વચ્ચે એ રિક્રુટીંગ એજન્ટ તરીકે કામ કરતો હતો જે કોઇપણ બહાનું કાઢી મહિલાઓને ઓનલાઇન ફસાવતો હતો.કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તે મહિલાઓ સાથે પ્રેમનું નાટક કરતો અને પોતે ફાઇનાન્સ ક્ષેત્રે એક પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એમ કહેતો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DNSyCT
via Latest Gujarati News
0 Comments