વિવિધ પ્રતિકૂળતાના પગલે વિદેશી રોકાણકારોની ભારત સહિત એશિયાઈ શેરબજારોમાં વેચવાલી

નવી દિલ્હી,તા. 16 મે, 2019, ગુરુવાર

સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલોના પગલે ભારતીય બજારોમાં હાલ ભારે વોલેટાલિટીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિવિધ પ્રતિકૂળ અહેવાલોના પગલે વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારથી દૂર થઈ રહ્યા છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ હાલ ચૂંટણી પરિણામને લઈને બજાર મુંઝવણમાં મુકાયેલ છે તો બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વોરની ચિંતા છે. આ ઉપરાંત એમએસસીઆઇ ઇન્ડેક્સમાં ચીનનું વેઇટેજ વધ્યું હોવાથી ભારતમાં વિદેશી રોકાણકારોની વેચવાલી શક્યતા છે. વૈશ્વિક સ્તરે સ્થિતિ વધુ ખરાબ થશે તો નોંધપાત્ર વેચવાલી જોવા મળશે. આવી સ્થિતિમાં ભારતીય બજારમાં ઘટાડો નોંધાશે.

કેટલાક એનાલિસ્ટો વર્તમાન નાણાં વર્ષમાં ઈક્વિટીઝમાંથી વળતર એક અંકમાં રહેવાની અને ૨૦૨૦ના જુન સુધીમાં ઈન્ડેકસમાં સાત ટકા સુધીનો સુધારો જોઈ રહ્યા છે. જો કે નવી સરકાર કેવા પ્રકારનું બજેટ રજુ કરે છે તેના પર પણ બજારની મીટ રહેશે. 

 ચૂંટણી પરિણામ પછી પણ ફાઇનાન્સીયલ સેક્ટરની સમસ્યા તો યથાવત્ રહેશે અને તે બજાર પર દબાણ ઉભું કરશે.

આ વર્તુળોએ ઉમેર્યું હતું કે, ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પણ મંદીનું વલણ છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં દરેક શોર્ટ પોઝિશન સામે મોટી લોંગ પોઝીશન છે. FPIs એ ચાલુ મહિને અત્યાર સુધીમાં રૂા. ૫૦૦૦ કરોડથી વધુ વેચાણ કર્યું છે. અગાઉના બે મહિનામાં તેમણે રૂા. ૫૩,૪૦૦ કરોડના શેર્સ ખરીદ્યા હતા. વિદેશી રોકાણકારોએ ભારત ઉપરાંત ફિલીપાઇન્સ, થાઇલેન્ડ, મલેશિયા, સાઉથ કોરિયા, તાઇવાન અને ઇન્ડોનેશિયા સહિતના અન્ય એશિયન બજારોમાં ચાલુ મહિને ૯.૭ કરોડ ડોલરથી ૧.૨ અબજ ડોલરની વેચવાલી હાથ ધરાઈ હતી.

અમેરિકાના વ્યાજદરમાં ધીમી વૃદ્ધિના અંદાજને કારણે વિદેશી રોકાણકારો માર્ચમાં ઉભરતા બજારો તરફ ખેંચાયા હતા. ભારતમાં હાલની સરકારને ફરી સત્તા મળવાની આશાએ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજાર તરફ આકર્ષાયા હાત. જાન્યુઆરીથી એપ્રિલમાં તેમણે સ્થાનિક બજારમાં રૂા. ૬૮,૨૦૦ કરોડના શેર ખરીદ્યા હતા જેપૈકી લગભગ ૮૦ ટકા રોકાણ માર્ચમાં જ થયું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Husca1
via Latest Gujarati News

Post a Comment

0 Comments