ક્રૂડ ઉછળીને ૭૩ ડોલર નજીક : રૂપિયા સામે ડોલર તૂટયો: ઈન્ટ્રા-ડે રૂ.70ની અંદર ઉતર્યા

મુંબઈ, તા. 16 મે, 2019, ગુરુવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે ઉછાળા ઉભરા દેવા નિવડતાં  ભાવ ફરી નીચા આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે વેચવાલી બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે  ડોલરના ભાવમાં  ઘટાડો  આગળ વધ્યો હતો ચાલુ બજારે એક તબક્કે ડોલરના ભાવ ઘટી રૂ.૭૦ની અંદર  ઉતરી ગયા હતા.   આવા માહોલમાં  ઘરઆંગણે  કિંમતી ધાતુઓની આયાત પડતર નીચી આવી છે તથા તેની અસર આજે  ઝવેરી બજારમાં  બજાર ભાવ પર દેખાઈ હતી.  નવી માગ ધીમી હતી.  મુંબઈ કરન્સી બજારમાં  ડોલરના ભાવ રૂ.૭૦.૭૩  વાળા રૂ.૭૦.૨૭ ખુલી રૂ.૭૦.૩૩ રહ્યા પછી  નીચામાં ભાવ રૂ.૬૯.૯૯ થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૭૦.૦૩  હતા.

 ડોલરના ભાવ ૩૧ પૈસા ઘટયા હતા.  બ્રિટીશ પાઉન્ડના  ભાવ આજે વધુ ૯૯ પૈસા ગબડી રૂ.૯૦ની અંદર ઉતરી રૂ.૮૯.૭૪થી ૮૯.૭૫  હતા. યુરોના ભાવ આજે વધુ ૨૩ પૈસા ઘટી રૂ.૭૮.૪૮થી ૭૮.૪૯ હતા.  ઘરઆંગણે શેરબજાર ઉંચકાતા  તથા ચોમાસાનો આશાવાદ  વધતાં કરન્સી બજારમાં  રૂપિયો મજબુત બન્યો હોવાનું બજારે જણાવ્યું હતું.

દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૨૯૯થી ૧૨૯૯.૫૦ ડોલર રહ્યા પછી  નીચામાં ભાવ  ૧૨૯૦થી ૧૨૯૦.૫૦  ડોલર બોલાયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૨૫૨ વાળા રૂ.૩૨૦૬૮ બંધ હતા.

 ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૩૮૨ વાળા રૂ.૩૨૧૯૭  બંધ હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથીૂ ૩ ટકા ઉંચા  હતા. દરમિયાન મુંબઈ બજારમાં  આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૨૪૫ વાળા રૂ.૩૭૦૪૦  બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૬૯૫૦થી ૩૭૦૦૦ તથા  જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૫૦થી ૧૨૦૦ ઉંચા બોલાયા હતા. 

વિશ્વ બજારમાં  સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૪.૮૪ ડોલર રહ્યા પછીસાંજે ભાવ ૧૪.૭૩થી ૧૪.૭૪ ડોલર હતા.  અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ  નરમ હતા.  પ્લેટીનમના ભાવ ઘટી ઔંશના  સાંજે ૮૪૪.૩૦થી ૮૪૪.૪૦  ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી સાંજે  ૧૩૨૯.૫૦થી ૧૩૨૯.૬૦ ડોલર હતા.   

ચીન અને અમેરિકા વચ્ચે ક્રૂડવોરના   પ્રશ્ને નવા બનાવો પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી.  દરમિયાન, ચીન સાથે તંગદીલી વધતાં અમેરિકાએ જાપાન અને યુરોપ સાથે ચાલી રહેલી વેપાર નાટાઘાટોમાં હળવું  વલણ અપનાવ્યાના નિર્દેશો વહેતા થયા છે. યુરોપ તથા જાપાનથી વિવિધ કારોની અમેરિકામાં નિકાસ થાય છે તથા આવી કારો પર અમેરિકા દ્વારા આયાત ટેરીફ વધારવામાં  આવશે એવાં સંકેતો અમેરિકાના ટ્રમ્પે આપ્યા હતા.

જોકે હવે આવી આયાત જકાતમાં  વૃદ્ધી ૬ મહિના માટે મુલત્વી રાખવા અમેરિકાએ સંકેતો આપ્યાના નિર્દેશો  વિશ્વ બજારમાંથી મળી રહ્યા હતા. આના પગલે  વિશ્વ બજારમાં  અજંપો હળવો  થતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચેથી નીચા આવ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ફરી ઉછળ્યાના નિર્દેશો હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ આજે આશરે દોઢ ટકો વધી  ૭૨ ડોલર  પાર કરી સાંજે ભાવ ૭૨.૭૫ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૬૨.૮૫થી ૬૨.૯૦ ડોલર હતા.   મધ્ય-પૂર્વમાં   તંગ સ્થિતિ વધતાં ક્રૂડ તેલ વધી રહ્યું છે. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક  ૫૪ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર છતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં વિશ્વ બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.   

ચીનની સરકાર અર્થતંત્રને  પીઠબળ આપવા સ્ટીમ્યુલ્સ આપશે એવા નિર્દેશોએ ભાવ બજારમાં આજે  કોપરના ભાવ ઉંચા ગયા હતા.  ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે  સાંજે ૧.૦૫થી ૧.૧૦  ટકો ઉંચા બોલાયા  હતા. લંડન એક્સ.માં  કોપરના ભાવ  ટનના ૩ મહિનાની   ડિલીવરીના વધી ૬૧૦૦ ડોલર કુદાવી ૬૧૧૦થી ૬૧૧૫ ડોલર રહ્યા હતા.   કોપરનો સ્ટોક આજે ૨૫૨૫ ટન ઘટયો હતો. 

જ્યારે  ટીનનો સ્ટોક  ૪૪૦ ટન  વધ્યો હતો.  અન્ય ધાતુઓનો સ્ટોક આજે ત્યાં  ઘટયાના સમાચાર હતા.  દરમિયાન, ઘરઆંગણે હિન્દુસ્તાન ઝીંકે આજે  જસતના ભાવ જાળવી રાખ્યા હતા જ્યારે  સીસાના ભાવ ટનના રૂ.૩૮૦૦ ઘટાડયાના સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VIWIHe
via Latest Gujarati News

Post a Comment

0 Comments