ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર નહીં આવે તો નિફટી 15 ટકા સુધી તૂટવા ભય

મુંબઈ,તા. 16 મે, 2019, ગુરુવાર

૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાને હવે સાત દિવસનું છેટું છે ત્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર જો સત્તા પર નહીં આવે તો નિફટી ઈન્ડેકસ ૧૦થી ૧૫ ટકા જેટલો તૂટી જવાની શકયતા છે. યુબીએસના એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, જો કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને બહુમતિ મળશે તો નિફટીમાં પાંચથી દસ ટકાનો સુધારો જોવા મળી શકશે. 

૨૦૦૪ તથા ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ શેરબજારોમાં જોવા મળેલી વધઘટને આધારે યુબીએસનો આ અંદાજ આવી પડયો છે. 

લોકસભાની ચૂંટણીના પરિણામોને લગતી અનિશ્ચિતતા તથા વૈશ્વિક ઘટનાક્રમોને કારણે ભારતીય શેરબજારો છેલ્લા કેટલાક સમયથી ભારે વોલેટાઈલ જોવા મળી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએને જો ૨૫૦થી વધુ બેઠકો મળશે તો નિફટી પાંચ ટકા વધી શકે છે પરંતુ ૨૫૦થી નીચેના કિસ્સામાં બજારમાં વોલેટિલિટી ઊભી થશે. 

આ સ્થિતિમાં કેન્દ્રમાં સરકારની રચના થાય ત્યાંસુધી વોલેટિલિટી જોવા મળશે અને ત્યારપછી બજાર તેની દિશા નક્કી કરશે. 

મોટાભાગના એનાલિસ્ટો કેન્દ્રમાં એનડીએની સરકાર રચાશે એવી અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ તેની બેઠકો ઘટશે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થવાની ધારણાં રખાઈ રહી છે, જેને કારણે કુલ બેઠકો પર તેની અસર જોવા મળશે. 

કેટલાક એનાલિસ્ટો વર્તમાન નાણાં વર્ષમાં ઈક્વિટીઝમાંથી વળતર એક અંકમાં રહેવાની અને ૨૦૨૦ના જુન સુધીમાં ઈન્ડેકસમાં સાત ટકા સુધીનો સુધારો જોઈ રહ્યા છે. જો કે નવી સરકાર કેવા પ્રકારનું બજેટ રજુ કરે છે તેના પર પણ બજારની મીટ રહેશે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hus9uR
via Latest Gujarati News

Post a Comment

0 Comments