મુંબઈ, તા. 16 મે, 2019, ગુરુવાર
દેશના ઓટો ઉદ્યોગમાં હાલમાં ચાલી રહેલી મંદીને કારણે ઓટો પાર્ટસ ઉદ્યોગ સામે પણ પડકારો ઊભા થયા છે. જો કે નાના અને મધ્યમ સ્તરના પૂરવઠેદારોની સરખામણીએ મોટા ઉત્પાદકોની સ્થિતિ સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. વિસ્તૃત ગ્રાહક સ્તર અને નિકાસ બજારમાં હાજરીને કારણે ઓટો પાર્ટસના મોટા ઉત્પાદકોને ઓટો ઉદ્યોગની મંદી સતાવતી નથી એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં નોન-ઓટો સેગમેન્ટસમાં વૈવિધ્યકરણને કારણે આ કંપનીઓને મંદીનો પડકાર કરવાની તાકાત મળી છે. આમછતાં તેઓ સાવચેત બની ગઈ છે. ગયા નાણાં વર્ષમાં ઉતારુ વાહનોની વેચાણ વૃદ્ધિ માત્ર બે ટકા જેટલી મર્યાદિત રહ્યા બાદ એપ્રિલ મહિનામાં ઉતારુ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકા ઘટાડો નોંધાયો હતો, જે ૨૦૧૧ બાદ સૌથી વધુ ઘટાડો છે.
ટુ વ્હીલર્સ અને વ્યાપારી વાહનોનું વેચાણ પણ નોંધપાત્ર ઘટયું છે. લિક્વિડિટીની ખેંચ, ગ્રામ્ય સ્તરે તાણ તથા વાહન ધરાવવા પાછળના ખર્ચમાં થયેલા વધારાને કારણે વાહનોના વેચાણ પર અસર પડી હોવાનું ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે.
વપરાશમાં મંદીના સંકેત આપતુંહોય તેમ ભારતનું ફેકટરી આઉટપુટ તથા ઈન્વેસ્ટમેન્ટ ૨૧ મહિનાના ગાળા બાદ માર્ચમાં નેગેટિવ પરિઘમાં રહ્યું હતું. આઉટપુટમાં ૦.૧૦ ટકા ઘટાડો નોંધાયો હતો. ઓટો ઉદ્યોગની મંદીએ ઓટો પાર્ટસના નાના કદના પૂરવઠેદારોને વધુ અસર કરી છે.
૨૦૧૬માં નોટબંધી વખતે જે સ્થિતિ જોવા મળી હતી તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, એમ એક ઓટો પાર્ટસ ઉત્પાદકે જણાવ્યું હતું. ખર્ચ પર કાપ મૂકવા નાની કંપનીઓ ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. ઓટો કંપનીઓ પણ વાહનોના ઉત્પાદન પર કાપ મૂકી રહી છે તેને કારણે પણ પાર્ટસ ઉત્પાદક માટે સ્થિતિ પ્રતિકૂળ બની રહી હોવાનું જણાવાયું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VKH12j
via Latest Gujarati News
0 Comments