કાશ્મીરમાં આતંકીઓ બેફામ, વકરતી પરિસ્થિતિ: જવાન શહીદ, 3 આતંકી ઠાર


હત્યા પાછળનું કારણ ગૌરક્ષા હોવાનો સ્થાનિકોનો દાવો, પોલીસે દાવાને રદિયો આપી અફવા ન ફેલાવવાની અપીલ કરી 

નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જોકે આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. આ ઉપરાંત એક સ્થાનિક નાગરીકનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ અને એક નાગરીકનું મોત નિપજ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે સ્થળે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા ત્યાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. 

જ્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું ત્યારે સ્થળેથી સામાન્ય નાગરીકોને દુર ખસેડી લેવામાં આવ્યા હતા. જે બાદ આતંકીઓએ સરેન્ડર ન કરતા ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીનું નામ નસીર અને ઉમર મીર છે, આ આતંકીઓ પુલવામા અને શોપિયાંના રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે આ બન્ને આતંકીઓના રેકોર્ડની તપાસ કરતા સામે આવ્યું હતું કે તેઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. 

નસીર નામનો આતંકી પુલવામા સહીત અનેક વિસ્તારોમાં આતંકી હુમલા કરાવી ચુક્યો છે. ૨૦૧૮માં પુલવામામાં એક પોલીસ અધિકારી મોહમ્મદ યાકુબ શાહની હત્યામાં પણ નસીરનો હાથ હતો. આ ઉપરાંત પોલીસ અને સૈન્ય પાસેથી હથિયારો ઝૂંટવી લેવા કે લૂંટ ચલાવવાની ઘટનામાં પણ તે સામેલ હતો. બીજી તરફ આ કાર્યવાહી દરમિયાન એક જવાન સીપોય સંદીપ શહીદ થયો હતો જ્યારે અન્ય એક સ્થાનિક નાગરીક રઇસ ડારનું પણ મોત નિપજ્યું હતું. 

બીજી તરફ ડોડામાં ભારે હિંસા ફાટી નીકળી હતી, અહીં એક વ્યક્તિનું મોત નિપજતા બાદમાં બે કોમ્યુનિટી વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. અહીં ગોળીબારની એક ઘટના બની હતી જેમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજો ઘવાયો હતો. જે બાદ સ્થાનિકોએ એવો આરોપ લગાવ્યો હતો કે આ હત્યા પાછળનું કારણ ગૌરક્ષા છે. જેથી બાદમાં હિંસાની પણ ઘટનાઓ બની હતી. જોકે પોલીસે આ ઘટનાને કોમવાદી રંગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે સાથે સ્થાનિકોને કહ્યું છે કે આ મામલે અફવા ન ફેલાવવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EaVSbm
via Latest Gujarati News

Post a Comment

0 Comments