અભિનેતા કમલ હાસને નાથુરામ ગોડ્સેને હિંદુ આતંકવાદી ગણાવતા પ્રજ્ઞા જવાબ આપવામાં ભાન ભૂલ્યા
નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર
ભાજપના ભોપાલ બેઠક પર લોકસભાના ઉમેદવાર અને બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છુટેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે વિવાદ જગાવ્યો હતો. તેમણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને ભારે વિવાદ જગાવ્યો છે. અગાઉ મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે પણ અપમાનજનક નિવેદન કરનારા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે નાથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને ફરી વિવાદમાં આવ્યા છે.
જોકે જ્યારે સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ ભારે હોબાળો થતા તેણે માફી માગવી પડી હતી સાથે પોતાનું નિવેદન પરત લઉ છું તેમ કહ્યું હતું. જોકે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી ભાજપે પોતાને દુર કરી લીધી હતી. વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે નાથુરામ ગોડ્સે એક દેશભક્ત હતા.
તેઓ હતા અને હંમેશા દેશભક્ત જ રહેશે. જે લોકો નાથુરામ ગોડ્સેને આતંકવાદી કહેતા હોય તેઓ પોતાની તરફ જુવે, તેમને આ લોકસભાની ચૂંટણીમાં આક્રામક જવાબ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને નાથુરામ ગોડ્સેને આતંકવાદી ગણાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ નિવેદન કર્યુ હતું.
જોકે જ્યારે આ મામલે ભાજપના નેતા રાકેશસિંહ બાજપાઇને પૂછવામાં આવ્યું કે શું સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન બદલ માફી માગી છે, તો તેમણે જણાવ્યું હતું કે તેમણે માફી માગીને પોતાનું નિવેદન પરત લઇ લીધુ છે, બીજી તરફ ભાજપે પોતાને સાધ્વીના આ નિવેદનથી દુર કરી લીધી છે.
ભાજપના મીડિયા સેલના પ્રભારી લોકેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હોય તે દેશભક્ત ક્યારેય ન બની શકે. પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનની ટીકા કરતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે આ અતી નિમ્નકક્ષાનું નિવેદન છે. આ પહેલા શહીદ હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q6RCyf
via Latest Gujarati News
0 Comments