ગોડ્સેને હિંદુ આતંકી ગણાવતા નિવેદનનો વિવાદ, કમલ હાસન પર ચપ્પલ ફેંકાયા


(પીટીઆઈ) ચેન્નાઈ, તા.16 મે, 2019, ગુરૂવાર

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન પર મદુરાઈમાં તિરુપ્પરનકુંદરમ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચપ્પલો ફેંકવામાં આવી હતી. કમલ હાસને થોડા દિવસ પહેલા એક વિવાદીત નિવેદન આપ્યું હતું જેમાં નાથુરામ ગોડસેને 'આઝાદ ભારતના પ્રથમ ચરમપંથી હિંદુ' ગણાવ્યા હતા. 

તેમણે નાથુરામ ગોડસેનો સહારો લઈને મહાત્મા ગાંધીની હત્યા તરફ ઈશારો કરીને આ વાત રજૂ કરી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે ફેંકવામાં આવેલી ચપ્પલો કમલ હાસનને નહોતી વાગી અને તે ભીડમાં રહેલા લોકો પર જ પડી હતી. આ બનાવ અંગે ૧૧ લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ભાજપના કાર્યકરો, હનુમાન સેના તથા અન્ય સંગઠનના સદસ્યો પર આરોપ લગાવવામાં આવ્યો છે. 

ગોડસે અંગેના વિવાદીત નિવેદન બાદ ભાજપ, અન્નાદ્રમુક, સંઘ અને હિંદુ મહાસભા હાસન વિરુદ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે પરંતુ હાસનના મતે તેમના નિવેદનને કોઈ જાતિ-ધર્મ સાથે સંબંધ નથી અને તે ઐતિહાસિક સત્ય છે.  તમિલનાડુના મંત્રી કેટી રાજેન્દ્ર બાલાજીએ આ મુદ્દે કમલ હાસનની જીભ કાપી લેવી જોઈએ તેમ કહ્યું હતું. 

અરવાકુરિચિ અને તિરુપ્પરનકુંદરમ વિધાનસભા બેઠકો પર રવિવારે પેટા ચૂંટણી યોજાશે તથા કમલ હાસનની પાર્ટી મક્કલ નીધિ મૈયમ(એમએનએમ)એ પણ આ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ગોડસે અંગેના આ વિવાદીત નિવેદન મામલે અરવાકુરુચિમાં કમલ હાસન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવેલી છે.

 તેમણે મદ્રાસ ઉચ્ચ અદાલતમાં અગ્રિમ જામીન માટે અરજી દાખલ કરેલી છે તથા અદાલતે તેમની કેસને બરતરફ કરવાની માંગ કરતી અરજીને ખારિજ કરી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vZfHhm
via Latest Gujarati News

Post a Comment

0 Comments