નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર
પ્રજ્ઞા ઠાકુર ફરી વિવાદોમાં આવ્યા છે. તેમણે નાથુરામ ગોડ્સેને દેશભક્ત કહીને હોબાળો મચાવ્યો હતો. આ મામલે હવે કોંગ્રેસે ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે માફીની માગણી પણ કરી હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે ભાજપ શહીદ હેમંત કરકરેનું અપમાન કરે છે અને હવે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારાને પણ દેશભક્ત ગણાવી રહી છે.
જ્યારે કોંગ્રેસના અન્ય એક નેતા સુરજેવાલાએ કહ્યું હતું કે વારંવાર ગાંધીજીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ગાંધીજીના હત્યારાને દેશભક્ત ગણવા એ ખરેખર રાષ્ટ્રીય અપરાધ છે. અને આ અપરાધને આ દેશ ક્યારેય માફ નહીં જ કરે. બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે ગોડસેના વખાણ એ દેશભક્તી ન જ હોઇ શકે, આ ખરેખર દેશ વિરોધી પ્રવૃત્તિ છે.
જોકે વિવાદ બાદ ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે અમે તેમના આ નિવેદનની સાથે સહમત નથી, તેમણે દેશ સમક્ષ માફી માગવી જોઇએ. જ્યારે અન્ય ભાજપના એક નેતાએ કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરે માફી માગી લીધી છે અને પોતાનું નિવેદન પરત લઇ લીધુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q5LyX0
via Latest Gujarati News
0 Comments