ખાણ શરૂ થાય ન થાય, અદાણીની પર્યાવરણ વિરોધી તરીકેની છાપ મજબૂત થઈ ચૂકી છે
સિડની/અમદાવાદ, તા.16 મે, 2019, ગુરૂવાર
ગુજરાતી ઉદ્યોગપતી ગૌતમ અદાણી ઑસ્ટ્રેલિયામાં જગતની સૌથી મોટી કોલસાની ખાણનો પ્રોજેક્ટ લઈને બેઠા છે. જોકે કાળ ચોઘડિયે શરૃ થયેલા આ પ્રોજેક્ટમાં એક પછી એક વિઘ્ન આવી રહ્યા છે. ૧૮મી મેના દિવસે ઑસ્ટ્રેલિયામાં સંસદની ચૂંટણી થવાની છે.
આ ચૂંટણીમાં સ્ટોપ અદાણી ઝુંબેશ મહત્ત્વનો મુદ્દો બની છે. દેશનો મોટો વર્ગ એવુ ઈચ્છે છે કે પર્યાવરણને પારાવાર નુકસાન કરનારી અદાણીની આ ખાણ-યોજના બંધ થવી જોઈએ અને અદાણીને દેશવટો આપવો જોઈએ.
તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં સવા લાખ લોકોને લઈને આ કોલસા પ્રોજેક્ટ અંગે સર્વે થયો હતો. તેમાંથી ૬૧ ટકા લોકોએ કહ્યું હતુ કે આ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ. અદાણી ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં કોલસાની જગતની સૌથી મોટી ખાણ સ્થાપવા માંગે છે.
તેનાથી પર્યાવરણને નુકસાન થશે એ નક્કી વાત છે. પરંતુ ઑસ્ટ્રેલિયાની સરકાર અને વિવિધ રાજકીય પક્ષોએ અદાણી મુદ્દે મૌન ધારણ કર્યું હતુ. અલબત્ત, હવે લોકો જે કોઈ અદાણી સાથે હોય તેમની સામે પડયા છે. માટે સરકાર પણ ભીંસમાં મુકાઈ છે.
ધ ઑસ્ટ્રેલિયન ગ્રીન્સ નામની પાર્ટી તો અદાણીના વિરોધ ઉપર જ પોતાની ચૂંટણી ઝુંબેશ ચલાવી રહી છે. હવે આખા જગતમાં પર્યાવરણ પર ધ્યાન આપે એવી સરકાર પ્રજા ઈચ્છે છે. ઑસ્ટ્રેલિયા જેવા જાગૃત દેશમાં તો લોકો જરા પણ ગરબડ ચલાવી લેવા માંગતા નથી.
અદાણીના પ્રોજેક્ટ દ્વારા ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ ખેેંચવામાં આવતુ હોવાનો આક્ષેપ પણ અગાઉ થઈ ચૂક્યો છે. આમ તો અદાણીની ખાણ ૨૦૧૭માં શરૃ થઈ જવાની હતી, પરંતુ સતત વિરોધને કારણે તારીખ પાછી ઠેલાતી જાય છે. હવે તો સ્થિતિ એવી છે કે ખાણ શરૃ થાય ન થાય, અદાણીની પર્યાવરણ વિરોધી કંપની તરીકે આખા જગતમાં છાપ મજબૂત થઈ ગઈ છે.
ઑસ્ટ્રેલિયામાં ઘણા સમયથી સ્ટોપ અદાણી નામે ઝુંબેશ ચાલે છે. નિયમિત રીતે આ ઝુંબેશકારો અદાણીના પ્રોજેક્ટ સામે દેખાવો કરે છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની સંસદ સામે પણ દેખાવો થયા હતા. ક્વિન્સલેન્ડના ગાલિલિ બેઝિનમાં આ પ્લાન્ટ શરૃ થવાનો છે. એ માટે અહીંના દરિયાકાંઠે ૧૧ લાખ ઘન મિટર માટીની હેરાફેરી કરવી પડશે.
તેના કારણે ઓસ્ટ્રેલિયાના કાંઠે આવેલી જગતની સૌથી લાંબી અન્ડર વોટર પર્વતમાળા ગ્રેટ બેરિયર રીફને નુકસાન થવાનું છે. ગ્રેટ બેરિયર રીફને બનતાં કરોડો વર્ષ લાગ્યા છે, પરંતુ કોલસાની ખાણ શરૃ થશે તો માત્ર થોડા મહિનામાં જ તેને નુકસાન થશે. માટે ખાણનો શરૃઆતથી જ વિરોધ થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં અદાણી ગૂ્રપ ૨૧.૭ અબજ ડોલરના ખર્ચે જગતની સૌથી મોટી કોલસાની ખાણ સ્થાપવા માગે છે. અત્યારે જગતભરમાં ઊર્જાની અછત અનુભવાઈ રહી છે. એ સંજોગોમાં જેમની પાસે કોલસાનો મોટો જથ્થો હોય એ કંપની કે ઉદ્યોગપતીનું મહત્ત્વ વધી જાય.
એટલે જ અદાણી લાખ વિરોધ છતાં આ પ્રોજેક્ટ હાથમાંથી ન જાય એવો પ્રયાસ કરી રહી છે. આ પહેલા પણ ઈયાન ચેપલ જેવા ક્રિકેટર સહિતના સેલિબ્રિટીઓએ અદાણીને પત્ર લખીને આ પ્રોજેક્ટ અટકાવવા અપીલ કરી હતી. એ પત્રમાં લખ્યું હતુ કે આ પ્રોેજેક્ટ શરૃ થશે તો એ ઑસ્ટ્રેલિયા માટે શરમજનક હશે.
રોથચાઈલ્ડ ગૂ્રપે અદાણીથી હાથ ખંખેર્યા
નાણાકિય અને બેન્કિંગ સર્વિસ આપતી પોણા બસ્સો વધારે વર્ષ કરતાં જૂની પેઢી રોથચાઈલ્ડ એન્ક કું અદાણી સાથે કન્સલ્ટિંગના ધોરણે જોડાયેલી હતી. પરંતુ એ ગૂ્રપ પર દબાણ આવતા હવે તેમણે અદાણી સાથે છેડો ફાડયો છે. આ પેઢી અદાણીની કોલ માઈન માટે ફાઈનાન્સિયલ કન્સલ્ટિંગ કરતી હતી. ફ્રાન્સની આ નાણાકિય પેઢીના અધિકારીઓએ આ અંગે વધુ વિગતો આપી ન હતી, પરંતુ અદાણીને સલાહ આપવાથી ફ્રાન્સની પર્યાવરણપ્રેમી પ્રજા પણ નારાજ થઈ રહી છે.
ઑસ્ટ્રેલિયામાં 18મી મેએ સંસદની ચૂંટણી જાગૃત્ત પ્રજા જ સરકારને ઝૂકાવી શકે
ગુજરાતમાં અદાણીએ પર્યાવરણને વ્યાપક નુકસાન કર્યું છે. કચ્છમાં મેન્ગ્રોવ્સના જંગલો સાફ કરી નાખ્યા છે. એ સિવાય પણ અદાણીના નામે ઘણું નુકસાન બોલે છે. પરંતુ ગુજરાત કે ભારતની પ્રજાએ ક્યારેય પર્યાવરણ મુદ્દે ખાસ જાગૃત્તિ નથી બતાવી. માટે ગુજરાતમાં અદાણી જેવી રાજકીય ઘરોબો ધરાવતી કંપનીઓ વિકસી શકે છે. ઑસ્ટ્રેલિયા અને દુનિયાના ઘણા દેશોની પ્રજા પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત્ત છે. ત્યાં સરકાર ઈચ્છે તો પણ ઉદ્યોગપતિઓના ખોળે બેસી શકતી નથી. ભારતમાં પણ એ પ્રકારની જાગૃત્તિ જરૃરી છે, જેથી પર્યાવરણને નુકસાન અટકાવી શકાય.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YyObDK
via Latest Gujarati News
0 Comments