
(પીટીઆઈ) જોધપુર, તા. 20 મે, 2019, સોમવાર
રાજસ્થાન હાઈ કોર્ટની જોધપુર બેચે સોમવારે ૧૯૯૮ના બહુચર્ચિત કાળિયાર હરણ શિકાર કેસમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી અને તબુ સહિતના કલાકારોને નવેસરથી નોટિસ મોકલી છે.
ગત વર્ષે પાંચ એપ્રિલના રોજ સીજેએમ કોર્ટે આ કલાકારોને નિર્દોષ છોડી મુક્યા હતા જેના વિરુદ્ધ રાજસ્થાન સરકારે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. તેના અનુસંધાને ન્યાયાધીશ મનોજ ગર્ગની કોર્ટે આ નોટિસ બહાર પાડી છે. આ ઉપરાંત દુષ્યંત સિંહને પણ નોટિસ મોકલવામાં આવી છે જેમણે શિકાર વખતે કથિતરુપે કલાકારોનો સાથ આપ્યો હતો.
રાજસ્થાન હાઈ કોર્ટ આ કેસની સુનાવણી આઠ સપ્તાહ બાદ હાથ ધરશે. આ કેસમાંથી પાંચ કલાકારોને છૂટા કરી દેવાના આદેશને પડકારતી રાજ્ય સરકારની અરજીને પગલે હાઈકોર્ટે ગત ૧૧ માર્ચના રોજ પાંચ ઉત્તરદાતાઓને નોટિસ મોકલી હતી. ૧૯૯૮ની સુપરહીટ ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન જોધપુરમાં બે કાળિયારનો શિકાર કરવાના કેસમાં સીજેએમ કોર્ટે અભિનેતા સલમાન ખાનને દોષી ઠેરવ્યો હતો અને તેને પાંચ વર્ષની સજા તથા ૧૦,૦૦૦ રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
અંદાજે ૨૦ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલેલી સુનાવણી બાદ પાંચ એપ્રિલ, ૨૦૧૮ના રોજ સીજેએમ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી પરંતુ બે દિવસમાં જ તેઓ જામીન પર છુટી ગયા હતા. હાલમાં જામીન પર બહાર સલમાન ખાનની અરજી હાઈ કોર્ટ સમક્ષ અનિર્ણિત છે. ટ્રાયલ કોર્ટે સલમાન ખાનના સહકલાકારો સૈફ, સોનાલી, નીલમ, તબુ અને દુષ્યંત સિંહને પુરાવાના અભાવે છોડી મુક્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ju9brR
via Latest Gujarati News
0 Comments